Vadodara

વડોદરા: પ્રખ્યાત હનુરામ ફૂડ્સ ફરી વિવાદમાં, દાળ કચોરીમાંથી નીકળ્યો વંદો

​પરિવારના નાસ્તામાં વિઘ્ન: વંદો જોતા જ દીકરીને ઉલ્ટીઓ થઈ, સંચાલકોના ઉદ્ધત વર્તનથી ગ્રાહકમાં રોષ

વડોદરા: શહેરમાં ખાણી-પીણીની ગુણવત્તાને લઈને વારંવાર પ્રશ્નો ઉઠી રહ્યા છે, ત્યારે જાણીતી ફૂડ ચેઈન ‘હનુરામ ફૂડ્સ’ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. જી.આઈ.ડી.સી. સ્થિત હનુરામ સ્વીટ્સના સ્ટોર પર દાળ કચોરીમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવતા ગ્રાહકોમાં ભારે ફાટકાર જોવા મળી રહ્યો છે. સ્વચ્છતાના મોટા દાવા કરતી આ બ્રાન્ડની બેદરકારીને કારણે એક માસૂમ બાળકીની તબિયત લથડી હોવાનું પણ સામે આવ્યું છે.
મળતી વિગતો અનુસાર, શહેરના રહીશ રઘુવીર ગોહિલ પોતાની કાર સર્વિસમાં આપવા માટે જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ગયા હતા. તેમની સાથે તેમની દીકરી પણ હતી. કાર સર્વિસમાં મૂક્યા બાદ પિતા-પુત્રી નજીકમાં આવેલી હનુરામ સ્વીટ્સના સ્ટોર પર નાસ્તો કરવા માટે ગયા હતા. તેમણે અહીં ખાવા માટે ‘દાળ કચોરી’ ઓર્ડર કરી હતી.
​પરિવાર જ્યારે નિરાંતે નાસ્તો કરી રહ્યો હતો, ત્યારે અચાનક કચોરીની અંદરથી મરેલો વંદો મળી આવ્યો હતો. પ્લેટમાં વંદો જોતા જ દીકરીને અત્યંત અરુચિ પેદા થઈ હતી અને તેને સ્થળ પર જ ઉલ્ટીઓ થવા લાગી હતી. આ દ્રશ્ય જોઈ પિતા પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
ગંભીર બેદરકારી સામે આવતા રઘુવીર ગોહિલે તાત્કાલિક સ્ટોરના સંચાલકનો સંપર્ક કર્યો હતો અને આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો. જોકે, ગ્રાહકની માફી માંગવાને બદલે અથવા ભૂલ સ્વીકારવાને બદલે સંચાલકો દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહોતો. સંચાલકોના આ પ્રકારના વલણને કારણે ગ્રાહકે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે હનુરામ ફૂડ્સ વિવાદમાં આવ્યું હોય તેવી આ પહેલી ઘટના નથી. અગાઉ પણ તેમના વિવિધ આઉટલેટ્સ પર ગુણવત્તા અને સ્વચ્છતાના મુદ્દે ગ્રાહકો દ્વારા ફરિયાદો કરવામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે તંત્ર દ્વારા આવા મોટા ગજાના એકમો સામે કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી?
આ ઘટના બાદ હવે સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ સ્ટોર પર તપાસ કરીને દંડનીય કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું. હાલમાં તો આ સોશિયલ મીડિયા પર અને સ્થાનિકોમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

Most Popular

To Top