ઠગ આરોપીએ યુવકને બોગસ જોઇનિંગ લેટર તથા આઇકાર્ડ પણ આપ્યાં હતા
ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી વિસાવદર પોલીસને સોંપ્યો
પ્રતિનિધિ વડોદરા તા.1
જુનાગઢ જિલ્લાના યુવકને અમદાવાદ પોસ્ટ ઓફિસમાં ક્લાર્કની નોકરી અપાવવાની લાલચ આપીને ઠગોએ રૂ.14 લાખ પડાવી લીધા હતા. ઉપરાંત વિશ્વાસ કેળવવા માટે પોસ્ટ ઓફિસના સહી સિક્કાવાળો બનાવટી જોઇનિંગ લેટર આઇકાર્ડ પણ આપ્યા હતા. જેના ગુનામાં ભાગતા ફરતા આરોપીને વડોદરાના માંડવી નજરબાગ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે વિસાવદર પોલીસને સોંપાયો છે.
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રહેતા ઇકબાલઅહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલકરીમ ખત્રી સહિત સાગરીત દ્વારા રાજકોટના વિસાવદર વિસ્તારમાં રહેતા યુવકને અમદાવાદ ખાતેની પોસ્ટ ઓફિસમાં ક્લાર્કની તરીકને સરકારી નોકરીમાં લગાડી આપવાની લાલચ આપીને ગત 6 સપ્ટેમ્બર 2024થી 13 જાન્યુઆરી 2025 દરમિયાન યુવકના દિવ્યાંગ પિતા પાસેથી રૂ. 14 લાખ પડાવી લીધા હતા. ઠગાઇના ગુનામાં ઇકબાલ અહેમદ ખત્રી નાસતા ફરતો હતો. દરમિયાન ક્રાઇન બ્રાન્ચે બાતમી મળી હતી કે આ ઠગાઇનો આરોપી વડોદરા શહેરના માંડવી નજરબાગ વિસ્તાર રહે છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે નજરબાગ ખાતે પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ વિસાવદાર પોલીસને જાણ કરતા પોલીસના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને આરોપીનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીને યુવકના પિતાનો વિશ્વાસ કેળવવા માટે તેમના દીકરાના નામનો ગુજરાત પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકેના પોસ્ટ ઓફિસના લગતા ચિત્રો, સહી ઇન્ડિયન પોસ્ટ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાં રાઉન્ડ શીલ તથા સિક્કાનો ખોટો જોઇનિંગ લેટર , બનાવટી આઇકાર્ડ આપ્યો હતો.
– અન્ય યુવકોને પણ રેલવેને નોકરી બોગસ ઓર્ડરો આપી 68 લાખ રૂપિયા પડાવ્યાં હતા
આરોપી ઇકબાલહુસેન ઉર્ફે મુન્નો ખત્રી ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. તેણે વર્ષ 2021માં રાજકોટ ખાતે યુવક સહિતના 6 ઉમેદવારોને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપીને યુવાનોને દિલ્લી ખાતે લઇ ગયો હતો. ત્યારબાદ કોઇ લેખિત કે મૌખિક પરીક્ષા લીધા વગર નોકરી ઓર્ડરો આપ્યા હતા. પરંતુ નોકરી અપાવી ન હતી અને તેમની પાસેથી રૂ. 68.05 લાખ ખંખેરી લીધા હતા. ઉપરાંત રાજપીપળા, સુરત, ગાંધીનગર ખાતે ચેક બાઉન્સના કોર્ટમાં કેસ પણ ચાલે છે.