વિદેશમાં નોકરી અપાવવાનો વાયદો કરી રૂપિયા વસૂલ્યા, ન વિઝા અપાવ્યા ન નોકરી
વારંવાર માંગણી છતાં રકમ પરત ન આપતા મહિલા સહિત બે ઠગો સામે ગુનો દાખલ
વડોદરા, તા.20
વડોદરા શહેરના વાસણા–ભાયલી રોડ વિસ્તારમાં રહેતી એક મહિલા સહિત કુલ 8 લોકોને પોલેન્ડમાં વર્ક પરમિટ વિઝા અને નોકરી અપાવવાના બહાને રૂ.6.69 લાખની છેતરપિંડી કર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત બે આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.
ફરિયાદ મુજબ, વાસણા ભાયલી રોડ પર આવેલી ગ્રીનફિલ્ડ–03 સોસાયટીમાં રહેતા અલ્પાબેન નગીનભાઈ પટેલ ઘરેથી ટિફિન સર્વિસ ચલાવે છે. વર્ષ 2022માં તેઓ નોકરી માટે દુબઈ ગયા હતા, જ્યાં તેમની ઓળખ શિલ્પાબેન કૈલાસ રાજપુત સાથે થઈ હતી. વર્ષ 2025માં શિલ્પાબેન રાજપુત અલ્પાબેનના ઘરે આવી અને પોતે પોલેન્ડના વારસો શહેરની પ્લેટિનમ હોસ્પિટલમાં કેર ટેકર તરીકે નોકરી કરતી હોવાનું જણાવ્યું હતું.
શિલ્પાબેને અલ્પાબેનને સેમ્યુઅલ ક્રિશ્ચિયન સાથે ઓળખાણ કરાવી, જેણે પોલેન્ડમાં કેર ટેકરની નોકરી તથા વર્ક પરમિટ વિઝા અપાવવાનો વાયદો કર્યો હતો. શરૂઆતમાં વિઝા ફી તરીકે રૂ.37,000 લેવાયા હતા. બાદમાં અલગ–અલગ લોકો પાસેથી પણ રૂપિયા વસૂલવામાં આવ્યા, પરંતુ ન તો વિઝા અપાવ્યા ન તો નોકરી અપાવી.
આ રીતે અલ્પાબેન પાસેથી રૂ.38,500, શીતલબેન પાસેથી રૂ.83,000, કૂપાંશીબેન પાસેથી રૂ.1.23 લાખ, દક્ષાબેન પાસેથી રૂ.38,000, વિભુતીબેન પાસેથી રૂ.51,000, જયાબેન પાસેથી રૂ.31,000, દામિનીબેન પાસેથી રૂ.95,000 અને કૃષ્ણકુમાર પાસેથી રૂ.35,000 એમ કુલ રૂ.6.69 લાખ પડાવી લેવાયા હતા.
લાંબા સમય સુધી રાહ જોવાયા બાદ પણ વિઝા કે નોકરી ન મળતા અને રૂપિયા પરત ન આપતા અંતે પીડિતોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.