Vadodara

વડોદરા પોલીસ ભવન પાસે મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, રસ્તાઓ પર રેલમછેલ

હજારો લિટર પાણીનો વેડફાટ થતા તંત્ર સામે જનરોષ; વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા

વડોદરા: શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ફરી એકવાર પાલિકાની કામગીરી અને મેન્ટેનન્સ પર સવાલો ઉઠ્યા છે. આજે શહેરના અતિ વ્યસ્ત એવા જેલ રોડ પર આવેલા પોલીસ ભવનના પ્રવેશદ્વાર પાસે મુખ્ય પાણીની લાઈનમાં અચાનક ભંગાણ સર્જાતા લાખો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ થયો હતો. માર્ગ પર પાણી ફરી વળતા વાહનચાલકો અને સરકારી કચેરીએ આવતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મળતી માહિતી મુજબ, જેલ રોડ પોલીસ ભવન પાસેની મુખ્ય લાઈન તૂટવાને કારણે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જોતજોતામાં સમગ્ર માર્ગ નદીમાં ફેરવાઈ ગયો હતો. પોલીસ ભવન અને નર્મદા ભવન જેવી મહત્વની સરકારી કચેરીઓ નજીક હોવાથી અહીં લોકોની અવરજવર સતત રહે છે. પાણી ભરાવાને કારણે ટુ-વ્હીલર ચાલકોને લપસી પડવાનો ભય ઉભો થયો હતો, જ્યારે રાહદારીઓને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી.

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં જ્યારે લોકો શુદ્ધ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે, કચેરીએ જઈ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે આવી રીતે હજારો લિટર પાણી રસ્તા પર વહી જવું એ તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. લાઈન તૂટવાને કારણે આસપાસના વિસ્તારોમાં પાણીનો પુરવઠો પણ ખોરવાયો હતો અને ઓછા પ્રેશરની સમસ્યા સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતા જ પાણી પુરવઠા વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, સમારકામ પૂર્ણ થાય ત્યાં સુધીમાં વિપુલ માત્રામાં પાણીનો વેડફાટ થઈ ચૂક્યો હતો. વારંવાર લાઈનોમાં પડતા ભંગાણ મામલે હવે નાગરિકો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top