અમદાવાદ જેલમાંથી વચગાળાના જામીન રજા પર બહાર આવ્યા બાદ ફરાર થઇ ગયો હતો, ક્રાઇમ બ્રાન્ચે કેદીને આજવા રોડ પરથી દબોચીને પરત જેલમાં સોંપ્યો
પ્રતિનિધિ વડોદરા તા.15
વડોદરા શહેરમાં હત્યા તથા ૩૦ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપી સમીર ઉર્ફે બંટી અશોક પંડ્યા અમદાવાદ જેલમાં સજા ભોગવતા વચગાળાની જામીન મેળવીને બહાર આવ્યો હતો પરંતુ પરત હાજર નહી થઇ બારોબાર ફરાર થઇ ગયો હતો. આ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે આજવા રોડ પર રામદેવનગર-2માંથી ઝડપી પાડ્યો હતો. મકાનને પ્રથમ માળે હોય પોલીસને જોઇ નીચે કૂદકો મારી ભગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પગમાં ઇજાઓ થતા ભાગી શક્યો ન હતો અને આબાદ ઝડપાઇ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને અમદાવાદ જેલમાં સોંપવામાં આવ્યો છે.
વડોદરા શહેર સહિત રાજ્યની અલગ અલગ જેલોમાં પાક તેમજ કાચા કામના કેદીઓ સજા કાપતા હોય છે. આ કેદી પેરોલ, ફર્લો અને વચગાળાની જામીનની રજા મેળવીને જેલમાંથી બહાર આવતા હોય છે. પરંતુ રજા પૂર્ણ થયા બાદ પરત જેલમાં સમયસર હાજર થતા નથી અને ફરાર થઇ જાય છે. વડોદરા શહેરમાં રહેતો અને હત્યા તથા હત્યાના પ્રયાસમાં જેવા અનેક ગુનામાં પકડાયેલા આરોપી સમીર ઉર્ફે બંટી અશોક પંડયા અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા કાપતો હતો. દરમિયાન 17 ઓક્ટોબરના રોજ વચગાળાની જામીન રજા મેળવીને જેલમાંથી બહાર આવ્યો હતો અને રજા પુર્ણ થતાં 29 ઓક્ટોબરે તેને પરત જેલમાં હાજર થવાનુ હતુ પરંતુ આ કેદી જેલમાં પરત હાજર થયો ન હતો અને બારોબાર ફરાર થઈ ગયો હતો. ગાંધીનગર સીઆઈસેલ તરફથી મળેલી માહિતીના આધારે આ ફરાર કેદીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી.જેમાં કેદી હાલમાં આજવા રોડ રામદેવનગર- 2 ખાતેના મકાનમાં આવ્યો હોવાની બાતમી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક જ આજવા રોડ રામદેવનગર- 2ના મકાનમાં તપાસ કરતા પહોચતા સમીર ઉર્ફે બંટી અશોક પંડયા પોલીસને જોઇને મકાનના પ્રથમ માળેથી નીચે કુદી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ મકાનની હાઇટ વધુ હોવાના કારણે કુદકો મારતા તેના પગમાં ઇજા પહોંચી હતી અને ભાગી નહી શકતા ક્રાઇમ બ્રાન્ચ તેને ઝડપી પાડયો હતો. ત્યારબાદ આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે.
–30 જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ, બે વાર પાસા એક વખત તડીપાર પણ થયો હતો
ફરાર કેદી સમીર ઉર્ફે બંટી અશોક પંડ્યા સામે વડોદરા શહેરના સીટી પોલીસ સ્ટેશન સહીત જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં અગાઉ ખુન, ખુનની કોશીશ, ખંડણી, લુંટ, રાયોટીંગ, મારામારી, ધમકી આપવાના, એનડીપીએસ, હદપાર ભંગ મળી ૩૦ જેટલા ગુનાઓમાં ધરપકડ કરાઇ છે. આરોપીને બે વખત પાસા અને એક વખત હદપાર પણ કરાયો છે