ફરિયાદ નોંધાયાને ત્રણથી ચાર દિવસ થઇ ગયાં છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર, વેપારી પાસેથી 6 લાખ સામે રૂ. 15 લાખ વસૂલ્યા હોવા છતાં વધુ રૂપિયા માગતા હતા
પ્રતિનિધિ વડોદરા તા.16
વેપારીના રૂપિયા માટે ધમકી આપનાર વ્યાજખોર સહિતના આરોપીઓ ફરિયાદ નોંધાયાને ત્રણથીચાર દિવસ થયા છતાં ખુલ્લેઆમ શહેરમાં જ ફરી રહ્યા છે. તમામ આરોપીઓના મોબાઇલ પણ ચાલુ હોવા છતાં પોલીસને કેમ લોકેશન મળતું નથી. પોલીસ દ્વારા ધરપકડ નહી કરીને કેમ આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે. જેથી ગોત્રી પોલીસની કામગીરી સામે પણ શંકા સેવાઇ રહી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આર્યા ગોવર્ધન-2માં રહેતા લુણીરાજ અરુણ પવારે વાસણા-ભાયલી રોડ ખાતે મરાઠા કટ્ટા નામની રેસ્ટોરંટ ચલાવતા હતા ત્યારે કોરોના કાળ દરમ્યાન રેસ્ટોરન્ટમાં નુકશાન જતા રૂપિયા જરૂર પડી હતી ત્યારે તેઓએ વ્યાજખોર ઘનશ્યામ ફુલબાજે પાસેથી રૂ. 6 લાખ પાંચ ટકા વ્યાજ પર લીધા હતા. વ્યાજખોરે તેમની પાસેથી પાસેથી વ્યાજ સહિત 6 લાખના બદલે 15 લાખ વેપારી પાસેથી વસૂલ કરી લીધા હતા. તેમ છતાં વ્યાજખોર ઘનશ્યામ ફુલબાજે સહિતના તેમના મળતીયાઓ વારંવાર વેપારીના ફોન પર તથા તેમના ઘરે આવીને વ્યાજના નાણાની ઉઘરાણી કરી હેરાન પરેશાન કરી રહ્યા હતા. જેથી વ્યાજે લીધેલા કરતા વધુ રૂપિયા ચુકવી દીધા હતા તેમ હોવા છતાં કેમ વધુ રૂપિયાની માગણી કરો છે તેવું કહેતા વ્યાજખોર સહિતની ટોળકીએ તેમની પાસેથી સિક્યુરિટી પેટે લીધેલા ચેક બાઉન્સ કરાવી દીધા હતા. ત્યારબાદ પણ તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ અવાર નવાર આપતા હતા. જેથી વ્યાજખોર સહિતના મળતીયાઓના પઠાણી ઉઘરાણીથી કંટાળીને વેપારીએ ગોત્રી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પણ વ્યાજખોર સહિતના આરોપીઓના મોબાઇલ ચાલુ હોવા છતાં પોલીસ દ્વારા ઘનશ્યામ ફુલબાજે, ક્રિષ્ણા ભિખા કહાર, કીરણ રમેશ માંછી, સન્ની કમલેશ ધોબી, નરેંદ્ર જગમોહન અને શીતલબેન ઠાકુર ત્રણથી દિવસ થયા હોવા છતાં પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવતી નથી. ત્યારે પોલીસ દ્વારા કેમ આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે. બીજી તરફ અગાઉ પણ આ વ્યાજખોર ઘનશ્યામ ફુલબાજે વિરુદ્ધ ફરિયાદ ભોગ બનનાર લોકોએ ફરિયાદ નોંધાવી હતી.