પ્રતિનિઘિ વડોદરા તા. 3
વડોદરા શહેરના પાણીગેટ ગાર્ગીભવન ગર્લ્સ હોસ્ટેલ પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ૩૦ રીલ સહિત રૂ.81 હજારના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ચાઇનીઝ તુક્કલ અને દોરી ઝડપાયાં હતા.
14 જાન્યુઆરી મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી દરમિયાન ઘણા વેપારીઓ અને શખ્સો રૂપિયા કમાવાની લાલચમા પ્રતિબંધિત ચાઈનીઝ, લોન્ચર, તુક્કલ, લેન્ટર્ન અને દોરી બહારથી મંગાવીને તેનું ગેરકાયદે વેચાણ કરતા હોય છે. ત્યારે એસઓજી દ્વારા સતત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને પ્રતિબંધિત વસ્તુનું વેચાણ કરનાર શખ્સો પર સતત વોચ રાખતી હતી અને દોરી તેમજ પતંગની દુકાનોમાં અલગ અલગ ટીમો બનાવીને ચેકિંગ કરાયું હતું. ત્યારે પાણીગેટ ઉદ્યોગનગર સોસાયટી પાસેથી ગાર્ગીભવન ગર્લ્સ હોસ્ટેલ ખાતેથી એક મોપેડ પર લઇને બે શખ્સો પસાર થવાના છે. જેના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના સ્થળ પર વોચ ગોઠવી હતી. દરમિયાન જેવી મોપેડ પર બે શખ્સો આવતા એસઓજીની ટીમે બંને ને ઝડપી પાડ્યા હતા. તેમની મોપેડ પર પડેલા થેલામાં તપાસ કરી હતી. ત્યારે તેના થેલામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 30નંગ રીલ મળી આવી હતી .જેથી એસઓજી દ્વારા સુનિલ અમૃત વાઘરી તથા ધર્મેશ પ્રકાશ કહારને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી દારીની રીલ રૂ.30 હજાર, બે મોબાઇલ 10 હજાર, મોપેડ રૂ. 40 હજાર રોકડા રૂપિયા મળી રૂ. 81 હજારનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગત 20 ડિસેમ્બરના રોજ ચાઇનીઝ દોરીની 480 રીલ મળી આવી હતી. ત્યારબાદ 1 ડિસેમ્બરે માંજલપુર ઇવામોલ પાસેથી પણ ચાઇનીઝ તુક્કલ એક હજાર સાથે બે શખ્સો ઝડપાયા હતા.