એસએસજી પાછળના ભાગે પાણીની લાઈનમાં ભંગાણ બાદ રીપેરીંગ નહીં થતા પાણીની રેલમછેલ :
પાણી વિતરણના સમયે પરિસ્થિતિ યથાવત :

( પ્રતિનિધિ )વડોદરા,તા.18
વડોદરા શહેરમાં એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે.પાણીની તાતી જરૂરિયાત ઊભી થશે તેવામાં ક્યાંક ને ક્યાંક પાલિકા તંત્રની બેદરકારી જોવા મળી રહી છે. ઉનાળાની શરૂઆતે પાણીની નલિકાઓમાં ભંગાણ પડવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે.

વડોદરા શહેરના પોલીસ ભુવનની બહાર મુખ્ય માર્ગ ઉપર પીવાના પાણીની નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સોમવારે સાંજે પણ પાણી વિતરણના સમયે આ માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા. જ્યારે બીજા દિવસે મંગળવારે પણ જે સે થેની જ પરિસ્થિતિ જોવા મળી હતી. પાણીની લાઈનમાં લીકેજ થયું હોવા છતાં તેની રીપેરીંગની કામગીરી કરવામાં નહીં આવતા આજે ફરીથી માર્ગ ઉપર પીવાનું ચોખ્ખું પાણી વહી ગયું હતું. જેના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થવા પામ્યો છે. નોંધનીય છે કે, એક તરફ વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના નર્મદા ભુવન અને પોલીસની સામે મુખ્ય માર્ગ ઉપર જ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. આ માર્ગ ઉપરથી કલેક્ટર ધારાસભ્યો સાંસદ સભ્ય સહિત અધિકારીઓ અને નેતાઓ પસાર થાય છે.ત્યારે શું આ દ્રશ્યો તેમણે જોયા નહીં હોય. આગામી દિવસોમાં ગરમી વધશે ત્યારે પાણીની તાતી જરૂરીયાત અને માંગ વધશે ત્યારે આવા સમયે આ પાણીનો દૂર ઉપયોગ કેટલો યોગ્ય તેવા સવાલો પણ તંત્ર સામે ઊઠવા પામ્યા છે.
