Vadodara

વડોદરા : પોલીસની ખોટી ઓળખ આપી બે ગઠીયા વૃદ્ધ હોટલ સંચાલકના સોનાના ઘરેણા લઈ રફુચક્કર

અમે પોલીસ છીએ આગળ અમારા મોટા સાહેબ ચેકિંગમાં ઊભા છે, સોનાના ઘરેણા ઉતારી મૂકી દો તેમ કહયુ, દાગીના રૂમાલમાં મૂકવાના બહાને ગઠીયાએ સોનાની ચેન અને વીંટી સરકાવી લીધા અને મોબાઈલની પોટલીવાળી વેપારીને આપી, ઘરે ગયા બાદ વૃધ્ધે રૂમાલની પોટલી ખોલતા જ માત્ર મોબાઈલ નીકળ્યો

વડોદરા તારીખ 17

હરણી રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા વૃદ્ધ હોટલ સંચાલક મોર્નિંગ વોક કરીને ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન બે ગઠીયા તેમની પાસે આવ્યા હતા.તેઓએ અમે પોલીસ છીએ તેવી ખોટી ઓળખ આપી તમે સોનાના ઘરેણા પહેરીને આ રીતે ફરશો નહીં આગળ મોટા સાહેબ ચેકિંગમાં ઊભા છે, તમે સોનાના ઘરેણા ઉતારી મૂકી દો તેમ કહ્યું હતું. વૃદ્ધે સોનાની ચેન અને વીંટી તેમજ મોબાઇલ રૂમાલની મુકવા માટે બાઈક ચાલકને આપ્યા હતા. ત્યારે આ બાઈક ચાલકે તેમની નજર ચૂકવીને સોનાની ચેન અને વીંટી સરકાવી લીધા હતા. વૃધ્ધે ઘરે ગયા બાદ રૂમાલની પોટલી ખોલતા તેમાં સોનાની ચેન અને વીંટી ન હતા અને માત્ર મોબાઇલ હતો. જેથી વૃદ્ધ હોટલ સંચાલકે ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
વડોદરા શહેરના હરણી રોડ પર આવેલા એરપોર્ટની સામે તુલસીધામ સોસાયટીમાં રહેતા ક્રિષ્ણા વાસુ શેટ્ટી ( ઉ.વ.79) હરણી હનુમાનજી મંદીરની સામેના રોડની બાજુમા આશીર્વાદ નામની હોટલ ચલાવી ધંધો કરે છે.16 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે આશરે આઠ વાગ્યાની આસપાસ તેઓ હરણી તળાવ ખાતે ચાલવા માટે ગયા હતા. ચાલવાનું પૂર્ણ કરી તેઓ હનુમાનજી મંદીરે દર્શન કરવા માટે ગયા હતા. ત્યાથી તેઓ ચાલતા ચાલતા ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન મોતીભાઈ પટેલ સર્કલ પસાર કરી બ્રાઇટ સ્કુલની બાજુમા જે.એમ.પંડ્યા સંસ્કારધામ હોલની આગળ પહોચ્યા હતા. ત્યારે એક બાઇક પર તથા અન્ય શખ્સ ચાલતા તેમની પાસે આવ્યા હતા. ત્યારબાદ બંનેએ અમે પોલીસવાળા છીએ તમે આવી રીતે જાહેરમાં સોનાના દાગીના પહેરીને બહાર ફરી શકો નહીં. અમારા મોટા સાહેબ આગળ ચેકિંગમા ઉભા છે, તમે તમારા ઘરેણા ઉતારીને મુકી દો તેમ જણાવ્યુ હતું. જેથી વેપારીએ તેમના પર વિશ્વાસ આવી જતા ગળામા પહેરેલી સોનાની ચેન, હાથની વીંટી તથા મારો મોબાઇલ બાઈક ચાલકને રૂમાલમા મુકવા આપ્યા હતા. બાઈક ચાલકે તમામ વસ્તુની પોટલી વાળીને તેમને આપી હતી. જેથી વૃધ્ધ વેપારી આ પોટલી પેન્ટના ખિસ્સામા મુકી હતી અને આ બન્ને શખ્સો બાઇક પર બેસી મોતીભાઈ પટેલ સર્કલ તરફ જતા રહ્યા હતા. વૃધ્ધ વેપારીએ ઘરે જઈને રૂમાલની પોટલી ખોલીને જોતા સોનાની ચેઇન તથા વિંટી જણાઈ આવ્યા ન હતા અને માત્ર મોબાઇલ ફોન જ મળી આવ્યો હતો. ત્યારે આ બે ગઠીયાએ પોલીસ હોવાની ઓળખ આપી મદદ કરવાના બહાને હાથ ચાલાકીથી સોનાની ચેન તથા વીટી વૃદ્ધ વેપારીની નજર ચૂકવી સરકાવી ફરાર થઈ ગયા હતા. જેથી વેપારીએ તેમની સાથે પોલીસની ઓળખ આપી ઠગાઈ કરનાર બંને ગઠીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top