વડોદરામાં રિક્ષાવાળાનો અજબ ગજબ ‘જુગાડ, ટાંકી ચડાવી રિક્ષાને બનાવી દીધું ટ્રેલર, અકસ્માત થશે તો જવાબદાર કોણ ?
માત્ર થોડા રૂપિયા માટે કેટલો જોખમી ખેલ ? રાવપુરામાં રિક્ષાચાલકે માનવતા અને નિયમો બંનેવે નેવે મૂક્યા
(પ્રતિનિધિ), વડોદરા. તા.24
વડોદરામાં ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શહેરના વ્યસ્ત ગણાતા રાવપુરા વિસ્તારમાં એક રિક્ષાચાલક પોતાની રિક્ષાની છત પર વિશાળ પાણીની ટાંકી જોખમી રીતે મૂકીને રિક્ષા હંકારતો જોવા મળ્યો હતો. વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે, રિક્ષાચાલકે રિક્ષાની ઉપરના ભાગે મોટી ટાંકી મૂકી છે, જે ગમે ત્યારે નીચે પડી શકે તેમ છે. રાવપુરા જેવા સાંકડા અને ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં આ પ્રકારે રિક્ષા ચલાવવી એ માત્ર રિક્ષાચાલક માટે જ નહીં, પરંતુ અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ જીવનું જોખમ ઊભું કરે છે. પોલીસ વાયરલ વિડિયો અને વિસ્તારના CCTV ફૂટેજના આધારે રિક્ષાનો નંબર મેળવી તપાસ હાથ ધરે છે. ટ્રાફિક પોલીસ “જોખમી ડ્રાઇવિંગ” (Rash Driving) હેઠળ રિક્ષાચાલક વિરુદ્ધ મેમો ફાડી શકે છે અથવા તેનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરી શકે છે. અગાઉ પણ વડોદરા પોલીસે આવા સ્ટંટબાજો કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે, તેથી આ કિસ્સામાં પણ રિક્ષાચાલકની અટકાયત થવાની પૂરી શક્યતા છે. આ મામલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને જણાવ્યું હતું કે “રસ્તા પર ચાલતા લોકોની સુરક્ષાનું શું ? માત્ર થોડા રૂપિયા બચાવવા માટે આ રીતે જોખમી ફેરા મારતા ચાલકો સામે પોલીસે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી જોઈએ.