માંડવી મેલડી માતાના મંદિરેથી દર્શન કરીને પરત ઘરે જતા યુવકને ચાપાનેર પાસે અકસ્માત નડ્યો, ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો
વડોદરા તા.7
વડોદરા શહેરના ન્યુ આઈ પી રોડ પર રહેતા યુવક માંડવી ખાતે મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે ગયો હતો. દર્શન કરીને પરત ઘરે આવતો હતો ત્યારે ચાંપાનેર દરવાજા પાસે પોલીસના ટેમ્પાના ચાલકે તેને ટક્કર મારતા યુવક નીચે પડી ગયા હતા. ત્યારબાદ ટેમ્પાનું ટાયર તેના પર ચડી ગયું હોય ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે આ પોલીસ ટેમ્પાના ચાલકે યુવકના મિત્રને તમે આ યુવકને સારવાર માટે લઈ જાવ તેનો દવા દારૂનો ખર્ચો આપીશ તેમ કહી ટેમ્પો લઈને ફરાર થઈ ગયો હતો. યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
વડોદરા શહેરના ન્યુ વી.આઈ.પી. રોડ આવેલી નરસિંહ ધામ સોસાયટીમાં રહેતા પ્રતિકભાઈ નરેશભાઈ સોલંકી ફાયર બ્રિગેડનો ફાયરમેનનો કોર્સ કરે છે. 6 જુલાઈ ના રોજ સવારના આઠ વાગ્યાની આસપાસ યુવક ઘરેથી માંડવી ખાતે મેલડી માતાના મંદિરે દર્શન કરવા નીકળ્યો હતો. ત્યાર બાદ સાડા નવ વાગ્યાની આસપાસ દર્શન કરી પરત ઘરે જતો હતો. તે દરમિયાન ચાપાનેર ગેટ પાસેથી પસાર થતા એક પોલીસના ટેમ્પાના ચાલકે એક બહેનને બચાવવા જતાં યુવકની બાઈકની ટક્કર મારી હતી. જેના કારણે યુવક અને તેનો મિત્ર મિહિર સોલંકી નીચે પડી ગયા હતા. તે દરમિયાન પોલીસના ટેમ્પાનું ટાયર યુવક પર ચડી ગયું હતું. જેના કારણે લોકો ભેગા થઈ ગયા હતા તેના મિત્રએ તેને ઊભો કર્યો હતો. ત્યારબાદ કોઈએ 108 પર ફોન કરતા એમ્બ્યુલન્સ તાત્કાલિક આવી ગઈ હતી. ત્યારે પોલીસ ટેમ્પાનો ચાલક પણ ત્યાં આવી ગયો હતો અને મિત્ર મિહિર સોલંકીને જણાવ્યુ હતું કે આ ભાઈને તમે કોઈ પણ હોસ્પિટલ લઈ જાઓ અને તેનો મોબાઈલ નંબર આપી તેનો દવા દારૂનો ખર્ચો તમને આપીશ તેમ કહી ટેમ્પો લઈને જતો રહયો હતો. યુવકને મિત્ર સાથે 108 એમ્બ્યુલન્સમાં વારસિયા રીંગરોડ પર આવેલા કલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. ડોક્ટરે જમણાં હાથના ખભાના ભાગે ફ્રેકચર, ડાબા હાથની હથેળી ઉપર તથા મોઢા તેમજ છાતીની પાંસળીઓ ઉપર ઈજા થવા સાથે ઘુંટણમાં તથા ગળાના પાછળના ભાગના મણકા ઉપર ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું. યુવકે સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસ ટેમ્પાના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.