પ્રતિનિધિ વડોદરા તારીખ 4
ગોરવા ઉંડેરા રોડ વિસ્તારમાં એક યુવક સાથે કોઈ અદાવતે ઝઘડો કરીને તેના પર લાકડી વડે હુમલો કરાયો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. માથાભારે શખ્સે જાહેરમાં હુમલો કરી પોલીસના કાયદો અને વ્યવસ્થાના લીલી લીરા ઉડાવ્યા હોય ત્યારે શું પોલીસ આ હુમલાખોર વિરુદ્ધ કાર્યવાહી કરશે ?
વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વોએ જાણે આતંક મચાવ્યો હોય તેમ જાહેરમાં મારામારી કરીને પોલીસના કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવી રહ્યા છે. પોલીસનો આવા માથાભારે તત્વોમાં કોઈ પ્રકારનો ડર રહ્યો ન હોય તેમ બિન્દાસ રીતે હિંસક હુમલો કરતા પણ ખચકાતા નથી. તેઓ જ કિસ્સો જવાહર નગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનવા પામ્યો છે. ગોરવા ઊંડેરા રોડ પર જાહેરમાં એક યુવક પર હુમલો કરવામાં આવતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કોઈ અદાવતે યુવકને લાકડી જેવા હથિયાર વડે ફટકા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. આ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આવા અસામાજિક તત્વોની પોલીસ ધરપકડ કરી કડક કાર્યવાહી કરે તો અન્ય લોકોમાં ડર રહે તેવી ચર્ચા જોર પકડયુ છે.
