વાલી મંડળની આગેવાનીમાં માતા-પિતાએ સ્કૂલ ખાતે પહોંચી આક્રોશ ઠાલવ્યો :
ડીઈઓ કચેરીમાં ફરિયાદ કરતા એજ્યુકેશન ઈન્સ્પેક્ટરે કરી તપાસ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.6
વડોદરા શહેર નજીક શેરખી ગામ ખાતેની પોદ્દાર વર્લ્ડ સ્કૂલમાં લોગો વગરના સ્કૂલ ડ્રેસ પહેરવાના મામલે વિદ્યાર્થીને ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની ધમકી આપવામાં આવતા વાલીએ આ મામલે વાલી મંડળને સાથે રાખી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે ડીઈઓ કચેરી ખાતે પણ ફરિયાદ કરતા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સ્કૂલ ખાતે દોડી ગયા હતા.


શેરખીની પોદ્દાર વર્લ્ડ સ્કૂલના સંચાલકો સરકારની ગાઈડ લાઇનને ઘોળીને પી ગયા હોય તેવી ઘટના સામે આવી હતી. આ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ એકના બે ટ્વીન્સ વિદ્યાર્થી ભાઈઓને લોગો વગરના સ્કૂલ ડ્રેસ પહેરતા સ્કૂલ દ્વારા ટીસી ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી મળતા જ બાળકોના પિતા આનંદસિંગ અને માતા સુજાતા સિંગ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. જ્યારે આ અંગેની જાણ તેમણે વાલી મંડળને પણ કરી હતી. જેથી વાલી મંડળના પ્રમુખ દીપક પાલકર પણ સ્કૂલ ખાતે દોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આનંદસિંગના બાળકો આ સ્કૂલમાં ધોરણ એકમાં અભ્યાસ કરે છે, તેઓએ શાળા દ્વારા વેચાતા કપડા મોંઘા હોવાથી ડ્રેસ બહારથી ખરીદ કર્યા હતા અને બહારના કપડા પર સ્કૂલનો લોગો નહીં હોવાથી બાળકોને બહાર કાઢી મૂક્યા હતા. સ્વેટર પર લોગો નહીં હોવાથી સ્વેટર પણ ઉતારવામાં આવ્યું હતું.

જ્યારે વાલીઓએ રજૂઆત કરતા શાળાના સંચાલકો સાથે વાલીઓની શાબ્દિક ટપાટપી થયા બાદ સંચાલકોએ વાલીઓને ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની ધમકી આપી હતી. જ્યારે બીજી તરફ પોદ્દાર સ્કૂલ ફક્ત ઓનલાઇન ડ્રેસ વેચી રહી હોવાનું જાણવા મળ્યું છે. બે બાળકોના ડ્રેસની કિંમત જ 28,000 વસૂલવામાં આવી રહી છે. બાળકોના અભ્યાસને લઈ ચિંતાતુર થયેલ માતા પિતાએ આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પણ મેલ મારફતે રજૂઆત કરી હતી. જેથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતેથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કલ્પેશ રાઠોડ પણ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં તપાસ હાથ ધરતા સ્કૂલના આચાર્યે પોતાની ભૂલ સ્વીકારી હતી અને હવે પછી આવી ભૂલ નહીં થાય તેવી લેખિત પણ બાહેધરી આપી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરએ પણ શાળા સંચાલકોને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. સ્કૂલ યુનિફોર્મનો વિવાદ નહીં હોવાનું કારણ આગળ ધર્યું હતું. એક તબક્કે તો એજ્યુકેશન ઇન્સ્પેક્ટરનો પણ વાલીઓએ ઘેરાવ કર્યો હતો અને વાલીઓના ઘેરાવા બાદ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે પોતાનું નિવેદન બદલ્યું હતું. હાલ સમગ્ર મામલે ખાનગી સ્કૂલ સંચાલકોની ફરી એક વખત મનમાની જોવા મળી હતી.
