Vadodara

વડોદરા : પુષ્પા ટોળકીનો શહેર પોલીસને પડકાર, MSU બાદ હવે સરદાર બાગમાંથી ચંદનના વૃક્ષની ચોરી

થોડા દિવસ પહેલા એમએસ યુનિવર્સિટીમાંથી ચંદનના વૃક્ષની થઈ હતી ચોરી :

સરદાર બાગમાંથી એક ચંદનનું વૃક્ષ કાપીને લઈ ગયા તો એક વૃક્ષ ચોરી કરવામાં નિષ્ફળ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.16

વડોદરા શહેરમાં પુષ્પા ટોળકી એ પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલાં એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસના કમ્પાઉન્ડમાંથી ચંદનના બે વૃક્ષોની ચોરી થઈ હતી. ત્યારબાદ યુનિવર્સિટીના જ એક ગાર્ડનમાંથી ચંદનના વૃક્ષની ચોરી કરવાનો પ્રયાસ થયો હતો તેવામાં હવે આ ટોળકીએ સરદારબાગને ટાર્ગેટ કર્યો છે. આ બાગમાંથી ચંદનના એક વૃક્ષની ચોરી થઈ છે. જ્યારે એક વૃક્ષને ચોરી કરવામાં તસ્કરો નિષ્ફળ નીવડ્યા છે.

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં હવે સ્માર્ટ તસ્કરો બેફામ બન્યા છે હવે લોકોના ઘરોમાં કિંમતી સર સામાનની નહીં પણ ચંદનના વૃક્ષની ચોરી કરવામાં આવી રહી છે થોડા દિવસ પહેલા એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસના કમ્પાઉન્ડમાંથી ચંદનના બે વૃક્ષની ચોરી થઈ હતી. જોકે આની તપાસ ત્યાંની ત્યાં જ છે. તેવામાં માત્ર ટૂંકા દિવસોના ગાળામાં જ એમ એસ યુનિવર્સિટીના જ સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગના એક ગાર્ડનમાં ચંદનના વૃક્ષની ચોરીનો પ્રયાસ થયો હતો. ત્યારે, એમ.એસ.યુનિવર્સિટી બાદ હવે ચંદન ચોર પુષ્પા ટોળકીએ કોર્પોરેશન હસ્તકના ગાર્ડનને ટાર્ગેટ બનાવ્યો છે.

કોર્પોરેશનના સરદાર બાગ ખાતે ચંદનના એક વૃક્ષની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. જ્યારે એક વૃક્ષની ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા છે. બનાવની જાણ થતા જ કોર્પોરેશનની ટીમ સરદાર બાગ ખાતે દોડી ગઈ હતી અને જે ચંદનના વૃક્ષનો ચોરીનો પ્રયાસ થયો છે તે વૃક્ષને કાપીને આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે અત્રે નોંધનીય બાબતે છે કે, કોર્પોરેશન હસ્તકના કેટલાક ગાર્ડનમાં કીમતી ચંદનના વૃક્ષો આવેલા છે. તે પૈકીના એક ગાર્ડન સરદારબાગમાં પણ આશરે 20 થી વધુ ચંદનના વૃક્ષો છે.

Most Popular

To Top