Vadodara

વડોદરા : પુરી-અજમેર એક્સપ્રેસ ટ્રેનના ટોયલેટમાંથી રૂ.80 હજારનો ગાંજો ઝડપાયો

પોલીસને જોઇને કેરીયર ગાંજાના 4 પેકેટ મુકીને ફરાર થઇ ગયો

વડોદરા રેલવે, એસઓજી અને આરપીએફની ટીમ પ્લેટફોર્મ નં.4 પર ચેકિંગમાં હતી

પ્રતિનિધિ વડોદરા તા.7

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર આવેલી પુરી અજમેર એક્સપ્રેસ ટ્રેનના ટોયલેટમાંથી રૂ. 80 હજારના 8.004 કિલો ગ્રામ ગાંજાના સેલોટેપ વિટાળેલા 4 પેકેટ મળી આવ્યા હતા. જોકે પોલીસને જોઇને ગાંજો લાવનાર કેરીયર ફરાર થઇ ગયો હતો. જેથી રેલવે પોલીસ દ્વારા કેરીયરની શોધખોળ શરૂ કરાઇ છે.

પશ્ચિમ રેલવેમાં દોડી રહેલી ટ્રેનોમાં ગેરકાયદે નશાકારક વસ્તુની હેરાફેરી કરાતી હોય છે. દરમિયાન 3 મેના રોજ રેલવે પોલીસ, એસઓજી, આરપીએફના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સ્ટેશન પર પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન 8 વાગ્યાના અરસામાં વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફાર્મ 4 પર પુરી અજમેર એક્સપ્રેસ ટ્રેન આવીને ઉભી રહી હતી. જેથી પોલીસ દ્વારા ટ્રેનમાં ચેકિંગ શરૂ કરાયું હતું. ત્યારે એન્જીન તરફના ટોયલેટમાંથી 4 સેલોટેપ મારેલા પેકેટો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. જેથી તેમાં તપાસ કરી હતી ત્યારે 8.004 કિલોગ્રામ રુ. 80 હજારનો જથ્થો મળી આવ્યો હતો. પરંતુ પોલીસને ચેકિંગમાં જોઇને કેરીયર પકડાઇ જવાના ડરથી ગાંજાના પેકેટો મુકીને નો દો ગ્યારાહ થઇ ગયો હતો. જેથી પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરીને ફરાર કેરીયરની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.   

Most Popular

To Top