વડોદરા તારીખ 2
વડોદરા શહેરમાં અવાર નવાર નશામાં ધૂત થઈને કાર હંકારવાના કારણે અકસ્માત થાય છે. જેમાં ઘણા નિર્દોષ લોકોના ભોગ લેવાતા હોય છે. નવરાત્રીના નવમા નોરતે મકરપુરા રોડ પર એક ચિક્કાર દારૂનો નશો કરેલી હાલતમાં વૈભવી કાર ચાલકે યુવતીને પહેલા ટક્કર મારી હતી. ત્યારબાદ રોંગ સાઇડ કાર ચલાવતા ટ્રાફિક પોલીસે તેને રોકતા આ પીધેલાએ પોલીસ કર્મચારી સાથે પણ ઝપાઝપી કરી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેરમાં ટ્રાફિક પોલીસ કર્મચારીને ગાળો દેતા આ કાર ચાલકને જાહેર જનતાએ મેથી પાક ચખાડ્યો હતો ત્યારબાદ આ વૈભવી કાર ચાલકને ઝડપી પાડ્યો છે.
મકરપુરા વિસ્તારમાં એક લેન્ડ રોવર ફ્રીલેન્ડર કાર ચાલકે સાઈડ ભવન્સ સ્કૂલ સર્કલ ફરવાના બદલે રોંગ સાઈડ વળાંક લીધો હતો. ત્યારબાદ આ કારના ચાલકે પ્રતાપ નગર તરફ જતા એક બાઈકને ટક્કર મારી હતી. જેમાં પાછળ બેઠેલી યુવતીને સામાન્ય ઇજા થઈ હતી. ત્યાંથી પ્રતાપનગર તરફ જતા ટ્રાફિકમાં બાઈકને ટક્કર મારી હતી. આ અથડામણમાં બાઈક પર પાછળ બેઠેલી યુવતીના પગમાં ઈજા પહોંચી હતી. આ કાર ચાલક ચિક્કાર દારૂનો નશો કરેલી હાલતમાં હોય બાઈક સવારો સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ટ્રાફિક પોલીસે પણ કાર સાઈડમાં લેવાનું જણાવતાં આ ચાલકે ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સાથે અસભ્ય વર્તન કરવા સાથે ગાળાગાળી અને હાથાપાઈ કરી હતી. નશામાં ધૂત કાર ચાલકે ભેગા થયેલા રાહદારીઓ સાથે પણ ઝઘડો કર્યો હતો. જેના કારણે જાહેર રોડ પર બખેડો થઈ ગયો હતો. હેડ કોન્સ્ટેબલ અલસીંગભાઈએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જે બાદ મકરપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી પરંતુ માંજલપુર પોલીસ સ્ટેશનની હદ હોવાથી ચિક્કાર નશો કરેલા ચાલક દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંધા (રહે.સત્વ અરોમા ફ્લેટ, સાંઈ ચોકડી પાસે, માંજલપુર,મૂળ. નવાબજાર, સ્વામી નારાયણ મંદિર પાસે, કરજણ, જિ. વડોદરા) ને માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા દારૂની બોટલ પણ મળી આવી હતી.
ત્યારે નશો કરીને કાર ચલાવતા લોકોને જાણે પોલીસનો કોઈ પ્રકારનો ડર ન હોય તે બિન્દાસ રીતે કાર લઈને નીકળી પડતા હોય છે અને અકસ્માત કરી નિર્દોષ લોકોના ભોગ લેતા હોય છે. થોડા મહિના અગાઉ વૈભવી કાર ચાલક રક્ષિત ચોરસિયા દ્વારા કારેલીબાગમાં ગાંજાનો નશો કરીને આઠ લોકોને અડફેટે લીધા હતા જેમાં મહિલાનું મોત થયું હતું. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરવા સાથે વૈભવી લેન્ડ રોવર ફ્રીલેન્ડર કાર કબજે કરી છે.