ડોક્યુમેન્ટ અને દંડની કાર્યવાહીથી બચવા માટે રૂ. 50 હજારની લાંચ માંગી, રકઝક બાદ રૂ. 40 હજાર નક્કી થયાં, એસીબીએ છટકુ ગોઠવી રંગેહાથ દબોચી લીધા

પ્રતિનિધિ વડોદરા તા.24
એસીબીએ અકોટા વિસ્તારમાં આવેલી ભવિષ્ય નિધિની કચેરીમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર પીએફ ઇન્સ્પેક્ટરને ફેસિલિટી મેનેજમેન્ટનું કામ કરતા સંચાલક પાસેથી રૂ. 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઇન્સ્પેક્ટરે ડોક્યુમેન્ટ અને દંડની કાર્યવાહીથી બચવા તેમની પાસેથી 50 હજારની લાંચ માંગી હતી. રકઝક બાદ રૂ. 40 હજાર આપવાના નક્કી થયા પરંતુ લાંચ આપવાના માગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો અને ટીમે ટ્રેપ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું હતું.
વડોદરાના અકોટા વિસ્તારમાં વોર્ડ નંબર 6 પાસે આવેલી ભવિષ્ય નિધિ ભવન ખાતે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન રિજિયોનલ ઓફિસ ખાતે બિનોદકુમાર હરિકાંત શર્મા એન્ફોર્સમેન્ટ ઓફિસર (પી.એફ. ઇન્સ્પેક્ટર) તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન ફેસિલટી મેનેજેમેન્ટનું કામ કરતા અરજદાર તેઓની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પગાર તથા પ્રોવિડન્ટ ફંડના રૂપિયા ઓનલાઈન જમા કરાવે છે. તેઓને ઓફિસર દ્વારા ફરિયાદીને સ્પોટ મેમોનો ઈ-મેલ મોકલી ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ પીએફ ઇન્સ્પેક્ટરની કચેરીમાં મળવા જતા અધિકારીએ તેમને કહ્યું હતું કે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ જતી રહી છે. જેથી તમારા ઉપર દંડ અથવા કેસ થશે. પરંતુ જો તમારે કાર્યવાહીથી બચવું હોય તો રૂ. 50 હજાર આપવા પડશે. ત્યારબાદ અધિકારી સાથે રકઝક થયા બાદ આખરે રૂ. 40 હજાર આપવાનું નક્કી થયું હતું. ફેસિલિટી મેનેજમેન્ટનું કામ કરતા વ્યક્તિ અધિકારીને રૂપિયા આપવા માગતા ન હોય તેઓએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે એસીબીની ટીમે 24 માર્ચના રોજ ટ્રેપ ગોઠવી હતી. જેવા ફેસિલીટી મેનેજમેન્ટનું કામ કરતા વ્યક્તિ પાસેથી રૂ. 40 હજાર સ્વીકારતા વેેેંત જ એન્ફોર્સમેન્ટ ઓફિસરને સ્થળ ઉપરથી રંગેહાથ એસીબીની ટીમે દબોચી લીધા હતા.
