યુવકે પ્રેમમાં ફસાવી લગ્ન કર્યા બાદ વિદેશ લઇ જવાનું બહાને રૂ.15 લાખ ખંખેર્યાં
તાંત્રિક વિધિની વાત કોઇને કહીશ તો ન્યુડ ફોટા-વીડિયો વાયરલ કરી મારી નાખીશ તેવી ધમકી આપી
પ્રતિનિધિ વડોદરા તા.16
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાસરિયાં વિરુદ્ધ ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પતિ પાર્થ રોહિતે પ્રેમના નામે તેની પાસેથી 15 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ ઉપરાંત ન્યુડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો સાસરીયાએ પણ ત્રાસ આપ્યો હતો.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી પરીણીતા ખાનગી બેંકમાં નોકરી કરતી હતી. ત્યારે બેન્કમાં લોન વિભાગમાં કામ કરતા પાર્થ રોહિત સાથે મિત્રતા થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. પાર્થે વારંવાર લગ્નની વાત કરી હતી પરંતુ મહિલા ઠુકરાવી દેતી હતી. પરંતુ પાર્થ રોહિતે તેને વિશ્વાસ આપીને જાળમાં ફસાવી લીધી હતી. વર્ષ 2023માં પાર્થ રોહિતે મહિલાને વિદેશ જઈને સારી નોકરી કરવાનું અને સાથે રહેવાનું વચન આપ્યું હતું અને મહિલા પાસેથી સપ્ટેમ્બર 2023થી અત્યાર સુધીમાં ટુકડે ટુકડે રૂ. 15 લાખ પડાવી લીધા હતા. દરમિયાન યુવતીએ વિદેશ જવાની વાત પૂછી તો પાર્થ કોઈ સ્પષ્ટ જવાબ આપતો નહોતો. જેથી તેણીએ રૂપિયા પૈસા પરત માંગતાં પાર્થે તારા ફોટા મારી પાસે છે, તે વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી. ઉપરાંત યુવતી સાથે ઝઘડા કર્યા અને પીછો પણ કરતો હતો. રૂપિયા પરત આપવા ના પડે માટે પાર્થે હુ તારા વગર નહીં રહી શકું, ચાલ લગ્ન કરી લઈએ. જો નહીં કરે તો અહીં ઝેરી દવા ખાઈને તારું નામ લખીને મરી જઈશ. ધમકીથી ગભરાઈ ગયેલી મહિલા લગ્ન માટે હા પાડી હતી. 27 મે 2025ના રોજ તેઓએ લવ મેરેજ કરી લગ્ન રજિસ્ટર પણ કરાવી લીધા હતા. ત્યારબાદ યુવતી પતિ સાથે સાસરીમાં રહેવા ગઈ હતી. નવા દહાડા સારૂ રાખ્યાં બાદ સાસુએ નાની નાની વાતોમાં ઝઘડા કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેથી પત્નીએ પતિને વાત કરતાં સાસરિયાંની તરફેણ કરીને મહિલા સાથે ઝઘડા કરી મારઝૂડ કરતો હતો. જેથી પરીણીતાએ સાસરીમાં નહી રહેવા જણાવતા સસરા અને નડિયાદના રમેશભાઈએ તેના પર તાંત્રિક વિધિ કરીને વશમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. જો આની વાત કોઇને કરીશ તો ન્યુડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની તથા જાનથી મારી નાખવાની પાર્થે ધમકી આપી હતી. ઉપરાંત પતિએ શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. આ ત્રાસથી કંટાળીને મહિલા પતિ સહિતના સાસરીયાના ચુંગાલમાંથી ચોરીછૂપીથી ભાગી અને તેના પીયર જતી રહી હતી અને ત્યાંથી ગોરવા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસુ સસરા અને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.