દુષિત પાણી,જીવ જંતુઓને કારણે ચામડીના રોગો સહિત અન્ય બીમારી ફેલાવાનો ભય વ્યાપ્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.30
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કારેલીબાગ સ્વિમિંગ પૂલમાં દૂષિત પાણીથી તરવૈયાઓ પરેશાન થઈ ઉઠ્યા છે. શાવર રૂમથી લઈને પુલ પાસે તેમજ પુલની અંદર ગંદકી અને જાળવણીના અભાવે દૂષિત પાણીમાં સ્વિમિંગ કરવાથી ચામડીના રોગો અને અન્ય બીમારી થવાનો ભય તરવૈયાઓને સતાવી રહ્યો છે. ત્યારે સિનિયર સિટીઝન સહિતના તરવૈયાઓએ તંત્રની મેન્ટેનન્સની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વડોદરા મહાનગર પાલિકા સંચાલિત કારેલીબાગ સ્વિમિંગ પૂલમાં સાફ-સફાઈનો અભાવ જોવા મળ્યો છે . સ્વિમિંગ પૂલમાં દૂષિત પાણીથી તરવૈયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. શુક્રવારે સ્વિમિંગ કરવા આવેલા સિનિયર સિટીઝન સહિત મહિલા તરવૈયાઓએ સ્વિમિંગ પૂલમાં દૂષિત પાણી જીવજંતુઓના કારણે ચામડીના રોગો થવાની ભીતિ વ્યક્ત કરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સિનિયર સિટીઝન તરવૈયાઓ એ જણાવ્યું હતું કે કોર્પોરેશનના કમિશનરને, સ્વિમિંગપુલના મેનેજર એમને પણ કમ્પ્લેન કરેલી છે. લેખિતમાં કમ્પ્લેન કરેલી છે. કોઈ એક્શન લેવાતા નથી અને એ લોકોનો પ્રોબ્લેમ એ લોકો અંદરો અંદર ઝઘડાથી મરે છે અને અમને બધાને હેરાન કરે છે. જવાબદાર વ્યક્તિઓ અહીં હાજર હોતા નથી અમને એવું કહેવામાં આવે છે કે મેનેજર આવે ત્યારે, આવજો. તો અમે કઈ નવરા નથી. જવાબદારી એમની છે. મહિલા સ્વિમરે જણાવ્યું હતું કે, ક્લિનિંગ ક્યારે હોતું નથી. ગુરુવારે મેન્ટેનન્સ હોય છે. એ દિવસે સ્વિમિંગ પૂલ બંધ રાખે છે, પણ આજે શુક્રવારે જ્યારે આવ્યા હજી પણ પરિસ્થિતિ એવી ને એવી જ છે.

સ્વિમિંગ પૂલમાં અંદર જીવડા છે. પાણી ગંદુ છે. ધૂળવાળું છે અને દુર્ગંધ પણ આવી રહી છે. કોઈ સાંભળતું નથી. આવા દૂષિત પાણીમાં સ્વિમિંગ કરવાથી ચામડીના રોગો થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલાં કરતાં આ વખતે તરવૈયાઓ પાસેથી તગડી થી વસૂલ કરવામાં આવે છે પરંતુ તેની તુલનામાં જોઈએ તેવી સુવિધા તરવૈયાઓને આપવામાં આવતી નથી. એક તરફ ફીટ ઈન્ડિયાની વાતો કરવામાં આવે છે. ત્યારે, સિનિયર સિટીઝનો નાના બાળકો મહિલાઓ યુવક યુવતીઓ કસરતના ભાગરૂપે સ્વિમિંગ કરવા આવતા હોય છે. પરંતુ સ્વિમિંગ પૂલમાં જ જરૂરી સવલતો નહીં મળવાના કારણે આજે તરવૈયાઓ તંત્રના પાપે હાલાકી વેઠવા મજબુર બન્યા છે.