અકસ્માતમાં બે ગાયોના મોત થતા લોકોમાં રોષ
વાઘોડિયા રોડ પર રાત્રે બનેલી ઘટના બાદ પોલીસ અને એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચતાં લોકોમાં તીવ્ર રોષ, રખડતા ઢોરોનો પ્રશ્ન ફરી ચર્ચામાં
વડોદરા: વડોદરા શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા ફરી એકવાર ગંભીર અકસ્માતનું કારણ બની છે. મંગળવાર રાત્રે વાઘોડિયા રોડથી ખટંબા જતાં માર્ગ પર ફોર્સ ગાડીની અથડામણમાં બે ગાયોના મોત નિપજ્યા હતા. આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસે સમયસર ઘટના સ્થળે ન પહોંચતાં રહેવાસીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.

માહિતી મુજબ, એક ફોર્સ વાહન ચાલક માર્ગ પરથી પસાર થતો હતો. એ સમયે અચાનક ગાયોનું ટોળું દોડી આવતાં ડ્રાઇવરે ગાડી બચાવવાનો પ્રયાસ કર્યો. સામે દોડીને આવેલી ગાયો પરથી ગાડી વાળતાં નજીકમાં બેઠેલી ગાયો તેની ચપેટમાં આવી ગઈ. ઘટનામાં બે ગાયોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
ડ્રાઇવરે આપેલા નિવેદન મુજબ, “મારી ગાડી વધુ ઝડપે નહોતી, પરંતુ અચાનક ગાયોનો ઝુંડ સામે આવતાં હું ગભરાઈ ગયો હતો. ગાડી વાળવાનો પ્રયાસ કર્યો પરંતુ માર્ગ પર બેસેલી ગાયો સાથે અથડામણ થઈ.” જોકે, ડ્રાઇવરના દાવાથી વિપરીત વાહન સ્પીડમાં હોવાની સંભાવના અકસ્માતને જોતા લાગી રહી છે.
આ બનાવ બાદ નજીકના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરી હતી. તેમ છતાં, લાંબા સમય સુધી પોલીસ કે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ન પહોંચતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા અગાઉથી જ અનેકવાર ચર્ચાનો મુદ્દો બની ચૂકી છે. ઢોરોને કારણે મોટાં માર્ગો પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. છતાં તંત્ર તરફથી અસરકારક પગલાં લેવામાં આવતા ન હોવાને કારણે સામાન્ય નાગરિકો અને ડ્રાઇવરોને અકળામણનો સામનો કરવો પડે છે.
સ્થાનિક રહેવાસીઓએ તંત્ર પ્રત્યે તીવ્ર અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “રખડતા ઢોરોને પકડવા માટે યોગ્ય કાર્યવાહી થવી જરૂરી છે. નહીંતર જીવલેણ અકસ્માતોની શક્યતાઓ વધી શકે છે.”
આ ઘટના ફરી એકવાર તંત્રની ઢીલી કામગીરી અને ઢોર નિયંત્રણ અંગેના ઉણતા અભિગમને પ્રકાશમાં લાવી છે. લોકોની માંગ છે કે શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં આવે અને આવા અકસ્માતો ફરી ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે.