ખાડા, ગટર અને રીસ્ટોરેશન કામમાં બેદરકારી બદલ પાલિકાની ઇજનેરો વિરુદ્ધ કાર્યવાહી
પશ્ચિમ ઝોનના બે અધિકિઓને પણ કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ નોટિસ ફટકારાઈ
વડોદરા મહાનગર પાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ, વરસાદી ગટર અને રીસ્ટોરેશન કામોમાં થયેલી બેદરકારી બદલ શહેરના વિવિધ ઝોનમાં કાર્યરત 9 ઈજનેરો સામે કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી છે. પાલિકા દ્વારા આ તમામ અધિકારીઓ/કર્મીઓને દિન ત્રણમાં જવાબ આપવા તાકીદ કરવામાં આવી છે. આ સાથે જ પશ્ચિમ ઝોનના પણ એક નાયબ કાર્યપાલક ઇજનેર અને એક એડી. આસી. એન્જી. ને પણ નોટિસ ફટકારાઈ છે. જો કે, આ અધિકારીઓ પૈકી કેટલાકે એવા જવાબ પણ આપ્યા હતા કે, અમને હજુ સુધી નોટિસની કોપી મળી નથી. પાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કામમાં દાખવાયેલી નિષ્કાળજી ને કારણે નાગરિકોને હાલાકી સહન કરવી પડી છે. પાલિકાના આઇટી ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલા ખાડા સહિત અન્ય સમસ્યાઓ અંગે વીડિયો ફોટો મેળવી જે તે વિભાગને એ કામગીરી કરવા મોકલી આપવામાં આવે છે. આ મુજબ જ, પાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોનના અધિકારીઓ/કર્મીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
જેમને નોટિસ ફટકારાઈ છે તે જવાબદાર અધિકારીઓ/કર્મચારીઓ:
ભાર્ગવ પંડિત – નાયબ કાર્યપાલક ઈજનેર, રોડ પ્રોજેક્ટ વિભાગ
માંજલપુર ઈવા મોલ ચાર રસ્તા નજીક વરસાદી ગટર ક્રોસિંગનું રીસ્ટોરેશન યોગ્ય રીતે ન થવું.
ચિરાગ પટેલ – એડી. આસિ. ઈજનેર, રોડ પ્રોજેક્ટ વિભાગ
તુલસીધામ ચાર રસ્તા નજીક કેચપિટનું રીસ્ટોરેશન યોગ્ય રીતે ન થવું.
માંજલપુર ઈવા મોલ ચાર રસ્તા નજીક વરસાદી ગટર ક્રોસિંગનું રીસ્ટોરેશન યોગ્ય રીતે ન થવું.
નૈશધ શાહ – નાયબ કાર્યપાલક ઈજનેર, વોર્ડ નં. 1
માળી મહોલ્લા વિસ્તારમાં ખાડાઓનું યોગ્ય પેચવર્ક ન થવું.
પાર્થગીરિ ગોસ્વામી – નાયબ કાર્યપાલક ઈજનેર, વોર્ડ નં. 3
વેમાલી એસ.ટી.પી તરફ જતાં માર્ગ પર ખાડાઓનું પેચવર્ક ન થવું અને નિકાસનું કામ ન થવું.
હેમંત મિસ્ત્રી – નાયબ કાર્યપાલક ઈજનેર, વોર્ડ નં. 5
આજવા રોડ અને યાકુતપુરા રોડ નજીક સી.સી.ટીવી પરથી મળી આવેલી ફરીયાદોનો સમયસર નિકાલ ન કરવો.
વિવેક પટેલ – નાયબ કાર્યપાલક ઈજનેર, વોર્ડ નં. 6
વ્હિકલ પુલ અને પટેલ ફળીયા નજીકના ખાડા અંગે ફરીયાદોના જવાબમાં સમયસર કાર્યવાહી ન કરવી.
મૌલેશ ચૌહાણ – નાયબ કાર્યપાલક ઈજનેર, વોર્ડ નં. 14
સ્વામિનારાયણ મંદિર વાડી નજીક ખાડા અંગે ફરીયાદનો ઉકેલ ન આપવો.
કૃણાલ શાહ – નાયબ કાર્યપાલક ઈજનેર, વોર્ડ નં. 17
તરસાલી સોમાતલાવ રીંગ રોડ પર વરસાદી ગટરનાં કામે યોગ્ય રીતે બેરીકેડ ન લગાવવું.
પાલિકા દ્વારા જે અધિકારીઓને બેદરકારી દાખવવા બદલ નોટિસ આપી તે અધિકારીઓ શું કહ્યું ?
રિસ્ટોરેશન કામ થયેલું છે અને વેટમિક્સ નાખેલું છે. આજે સવારે પણ મે સ્થળ મુલાકાત કરી છે. ત્યાં એવો કોઈ મોટો ખાડો નથી. – ભાર્ગવ પંડિત, ના. કા. ઈ., રોડ પ્રોજેક્ટ
તુલસીધામનું કામ નોટિસ આપ્યા પહેલા પૂર્ણ થઈ ચૂક્યું છે. – ચિરાગ પટેલ, એડી. આસી. એન્જિનિયર, રોડ પ્રોજેક્ટ
નોટિસ મળ્યા બાદ પેચવર્કનું એક કામ બાકી હતું, જે કરાવી દીધું છે. ત્યાં એક ખાડો હતો તેનું કામ કરાવી દીધું છે. પેચવર્કનું કામ અમારું સતત ચાલુ રહેતું હોય છે. – નૈષધ શાહ, ના. કા. ઈ., વોર્ડ નં 1
25 તારીખે એક ફરિયાદ મળી હતી, જેનું એ જ દિવસે કામ કરી દેવાયું હતું. બીજી ફરિયાદ 26 તારીખે મળી હતી, જેનું કામ 28 તારીખે કરી દેવાયું હતું. – વિવેક પટેલ, ના. કા. ઈ., વોર્ડ નં 6
આજવા રોડ પરની ફરિયાદ મળી હતી. વરસાદી ગટર પ્રોજેક્ટ દ્વાર હાલ માઇક્રો ટનલની કામગીરી પ્રગતિ પર છે. તેમના દ્વારા અંડર ગ્રાઉન્ડ સર્વિસ લાઈનની ચકાસણી માટે લાઇન ખોદવામાં આવી હતી. આ બાબતે તેમની સાથે અમે સંકલન કરેલું છે. યાકુતપુરા પાસે પાણી નિકાલ માટે 1-2 ઈંચની ચરી હતી. કોઈ મોટો ખાડો નહોતો. એ ચરીનુ સમારકામ કરી દેવાયું છે. – હેમંત મિસ્ત્રી, ના.કા.ઈ., વોર્ડ નં 5
મારા હાથમાં અધિકૃત નોટિસ આવી નથી. આ ફક્ત એક પત્રક જ છે. એના પર હું કોઈ જવાબ આપી શકું નહીં. – કૃણાલ શાહ, ના. કા. ઈ. , વોર્ડ નં 17
વરસાદ શરૂ હોવાથી કામગીરી થઈ શકી નહોતી. 1 જુલાઈએ કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. – મૌલેશ ચૌહાણ, ના. કા. ઈ., વોર્ડ નં 14
પાણી પુરવઠા વિભાગે પાણીની લાઇન નાખેલી છે. જે બાબતે મેં મારા કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી છે. – પાર્થગીરિ ગોસ્વામી, ના. કા. ઈ. , વોર્ડ નં 3
આઇટી વિભાગ અને પાલિકા વચ્ચે સંકલનના અભાવે અધિકારીઓને નોટિસ મળી !
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આઇટી વિભાગ દ્વારા શહેરમાં લગાવાયેલા કેમેરા દ્વારા વિવિધ ખાડાઓની ઓળખ કરવામાં આવે છે. સાથે જ ઓનલાઈન મળતી ફરિયાદો બાબતે પણ જે તે વિભાગને મોકલી આપવામાં આવે છે. પરંતુ આ બાબતે યોગ્ય સંકલનના અભાવે કેટલાક કિસ્સા એવા સામે આવ્યા છે કે, જેમને જે કામ માટે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે તે કામ પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. તેમ છતાં તેવા અધિકારીઓ/કર્મીઓને નોટિસ ફટકારાઈ છે. આધારભૂત સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, આઈટી વિભાગને કામ બાબતની જે ફરિયાદ મળે તેને ઓળખી સંબંધિત વિભાગને જાણ કરાયા છે. જે બાદ સંબધિત વિભાગ એ કામગીરી કરી આઇટી વિભાગને ફોટા સાથે મોકલી આપે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આઇટી વિભાગ અને સંબંધિત વિભાગ વચ્ચે યોગ્ય સંકલન ન થતા આખરે આવા અધિકારીઓ/કર્મીઓને નોટિસ મળતી હોય છે. તો બીજી તરફ કેટલાક એવા કિસ્સા પણ સામે આવ્યા છે જેમાં પાલિકાના બે વિભાગના આંતરિક સંકલનના અભાવે જે તે વોર્ડના અધિકારી/કર્મી ને નોટિસ ફટકારવામાં આવી છે. જેનાથી અધિકારીઓમાં આંતરિક રોષ પણ જોવા મળ્યો હતો.