Vadodara

વડોદરા પાલિકા દ્વારા ગોરવા રોડ ઉપર ગેરકાયદેસર દબાણો દૂર કરાયાં

ઓટલા, કમ્પાઉન્ડ વોલ સહિતના તમામ દબાણો દૂર કરાતાં લોકોમાં ગભરાટ ફેલાયો

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ટ્રાફિક સમસ્યા અને રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની શરૂ કરેલી ઝુંબેશના ભાગરૂપે આજે ગોરવા રોડ ઉપરના ગેરકાયદેસર થઇ ગયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે બનાવવામાં આવેલી કેબિન અને ઓટલા સહિતના દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા. આ સાથે જ રસ્તા પરના અનેક દબાણો પણ દૂર કરી દેવામાં આવ્યા હતા.
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગોરવા વિસ્તારમાં આવેલા બાપુની દરગાથી મધુનગર ચાર રસ્તા સુધી હંગામી તેમજ કાયમી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં શાકભાજી વાડા દ્વારા કેબિન તેમજ પાર્કિંગ માટે ઓટલા બનાવી દેવામાં આવ્યા હતા. તે તમામ દબાણો દૂર કરી દેવામાં આવતા દબાણકારોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.


દુકાનદારો એ બનાવેલા રોડ પરના ઓટલાઓથી રસ્તો સાંકળો થઈ જતા પીકઅપ અવર્સમાં ટ્રાફિક જામ થઇ જતો હતો. પરિણામે સ્થાનિક લોકો દ્વારા દબાણો દૂર કરવા માટે અવાર-નવાર ફરિયાદો કરવામાં આવી હતી.
દરમિયાન આજે ટાઉન પ્લાનિંગ વિભાગે દબાણ શાખાની મદદ લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા. દુકાન સંચાલકો દ્વારા ગેરકાયદેસરના દબાણો પણ દૂર કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

આજે સવારે દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા જ સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. દબાણ શાખા દ્વારા દુકાન ધારકો અને શો રૂમ સંચાલકો દ્વારા ગેરકાયદેસર બનાવી દેવામાં આવેલા રોડ રસ્તા પર ના દબાણો સહિતના દબાણો દૂર કરતા અન્ય દબાણકારોમાં પણ ગભરાટ ફેલાઇ ગયો હતો. વડોદરા મહાનગર સેવાસદન દ્વારા દબાણ દૂર કરવાની ઝુંબેશ અવિરત પણ ચાલુ રહેશે, તેમ પાલિકાની દબાણ શાખા અધિકારી એ જણાવ્યું હતું. હજુ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસરના દબાણો છે. તે દબાણો પણ દૂર કરી દેવામાં આવશે.

Most Popular

To Top