મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો સચોટ એક્શન પ્લાન : નરસિમ્હા કોમાર
11 ચેક પોસ્ટ સક્રિય, 25 ટકાથી વધુ હથિયારો જમા કરાવાયા

વડોદરા, તા. 7:
વડોદરા શહેરમાં આવનારી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરનું પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સુસજ્જ બની ગયું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે તાજેતરમાં પોલીસ વિભાગમાં થયેલી બદલીઓ બાદ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણી દરમિયાન અનુસરવાના માર્ગદર્શનો અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી.
ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન બને તે માટે પોલીસ દ્વારા સચોટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદો ભંગ કરનારાઓને કોઈપણ રીતે છોડવામાં નહીં આવે તેવી પણ કમિશનરે કડકાઈપૂર્વક ચેતવણી આપી છે.
પોલીસ દ્વારા શહેરમાં લાયસન્સ ધરાવતા હથિયારો જમા કરવાની પ્રક્રિયા પણ ઝડપી બનાવાઈ છે, જેમાં અત્યાર સુધીમાં 25 ટકાથી વધુ હથિયારો જમા થઈ ચૂક્યા છે. સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં 11 ચેક પોસ્ટ ઉભી કરીને વાહન ચેકિંગ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
આ ઉપરાંત ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેથી અકસ્માતો અને કાયદો ભંગના બનાવોને અટકાવી શકાય. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.