Vadodara

વડોદરા પાલિકા ચૂંટણીનો જંગ: ભાજપ બુધવારે દાવેદારોની ‘સેન્સ’ લેશે, ચાર ઝોનમાં નિરીક્ષકોની ટીમ ઊતરશે

શહેરના ચાર પ્રમુખ પાર્ટી પ્લોટ ખાતે સવારથી પ્રક્રિયાનો પ્રારંભ થશે; બાયોડેટા અને અસલ દસ્તાવેજો સાથે હાજર રહેવા કાર્યકરોને આદેશ

વડોદરા : મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે બુધવારે શહેરના વિવિધ વિસ્તારોમાં મહત્વપૂર્ણ ‘સેન્સ’ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા માટે પ્રદેશ કક્ષાએથી નિયુક્ત કરાયેલા ચાર નિરીક્ષકોની ટીમ ખાસ વડોદરાની મુલાકાતે આવશે અને સંભવિત ઉમેદવારોની લાયકાત તેમજ લોકપ્રિયતાની ચકાસણી કરશે.
ભાજપ વડોદરા મહાનગર દ્વારા આયોજિત આ સેન્સ પ્રક્રિયા માટે શહેરના ભૌગોલિક વિસ્તાર મુજબ ચાર અલગ-અલગ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં છાણી વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ હોલ (ટીપી-13), ખોડીયાર નગર પાસે સત્યમ પાર્ટી પ્લોટ, તરસાલી ખાતે જે. કે. પાર્ટી પ્લોટ અને વાસણા રોડ પર ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દરેક કેન્દ્ર પર નિરીક્ષકો સ્થાનિક કાર્યકરો અને દાવેદારોને સાંભળશે, જેમના આધારે ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરવામાં આવશે.
પાર્ટી સંગઠન દ્વારા ટિકિટની ઈચ્છા ધરાવતા તમામ કાર્યકરોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓએ પોતાની રજૂઆત સમયે સંપૂર્ણ દસ્તાવેજો સાથે હાજર રહેવું. દાવેદારોએ પોતાનો વિગતવાર બાયોડેટા, તાજેતરના ફોટોગ્રાફ્સ અને ખાસ કરીને અનામત બેઠકો માટે ઓરિજનલ કાસ્ટ સર્ટિફિકેટ (જાતિનો દાખલો) સાથે રાખવો અનિવાર્ય છે. દસ્તાવેજોમાં કોઈપણ પ્રકારની કચાસ ચલાવી લેવામાં આવશે નહીં તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પાલિકાની ચૂંટણી પૂર્વે યોજાનારી આ સેન્સ પ્રક્રિયા ભાજપ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. નિરીક્ષકો સમક્ષ શક્તિ પ્રદર્શન કરવા અને પોતાની દાવેદારી મજબૂત કરવા માટે અત્યારથી જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને દોડધામ જોવા મળી રહી છે. આ પ્રક્રિયાના અંતે તૈયાર થનારો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે, જેના આધારે વડોદરાના ભવિષ્યના કોર્પોરેટરો નક્કી થશે. બુધવારની આ પ્રક્રિયા પર શહેરના રાજકીય વિશ્લેષકોની પણ નજર મંડાયેલી છે.

Most Popular

To Top