વોર્ડ દીઠ 12 નામોની યાદી તૈયાર કરી ‘કમલમ’ મોકલાશે; માજી નગરસેવકોના પત્તાં કપાશે અને યુવાઓને પ્રાધાન્ય મળશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. આ ક્રમમાં રવિવારે શહેર ભાજપની એક અત્યંત મહત્વની સંકલન બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં ઉમેદવારોના નામો પર આખરી મંથન થશે.
રવિવારની બેઠકમાં મધ્ય ગુજરાત ભાજપના ઝોન પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શહેર અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોની, સાંસદ અને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. હેમાંગ જોશી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. બેઠકમાં દરેક વોર્ડ દીઠ અંદાજે 12 સંભવિત નામોની યાદી તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. 7 એપ્રિલના રોજ ગાંધીનગર ‘કમલમ’ ખાતે મળનારી બેઠકમાં આ નામોમાંથી વોર્ડ દીઠ 4 ઉમેદવારો પર અંતિમ મહોર મારવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ આ વખતે આક્રમક રણનીતિ સાથે મેદાને ઉતરશે. 19 વોર્ડની મોટાભાગની બેઠકો પર નવા અને યુવા ચહેરાઓને તક આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. મહિલા ઉમેદવારોમાં પણ મોટા પાયે ફેરફાર જોવા મળી શકે છે. જોકે, જૂના જોગીઓ પૈકી 7 થી 8 માજી નગરસેવકોને રિપીટ કરવામાં આવે તેવું મનાઈ રહ્યું છે.
ચૂંટણી પહેલા વડોદરા કોંગ્રેસમાં મોટા ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે. ચર્ચા છે કે ભાજપ ટૂંક સમયમાં ‘ઓપરેશન લોટસ’ પાર પાડશે, જેમાં કોંગ્રેસના 4 જેટલા માજી નગરસેવકો કેસરીયો ધારણ કરી શકે છે. કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અને નેતાગીરી સામેના અસંતોષને કારણે ભાજપ આ સ્થિતિનો લાભ લેવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોની સંખ્યા 1434 સુધી પહોંચી છે, જે પક્ષની મજબૂત સ્થિતિ અને કાર્યકરોનો ઉત્સાહ દર્શાવે છે. પ્રદેશ નેતાગીરીએ સ્પષ્ટ કર્યું છે કે ‘મારો એ સારો નહીં, પણ જે સારો હોય તે મારો’ના સૂત્ર સાથે માત્ર સક્ષમ અને જીતી શકે તેવા ઉમેદવારોને જ ટિકિટ આપવામાં આવશે.
ગત ટર્મમાં ભાજપે 76 માંથી 69 બેઠકો જીતીને જંગી બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 7 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. આ વખતે ભાજપ પોતાનો ગ્રાફ વધુ સુધારવા માટે અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે.