

ઈન્સેટિવ પ્રથા બંધ કરી કાયમી પગાર આપવાની માંગ સાથે સૂત્રોચ્ચારો
“સમાન કામ સમાન વેતન” માટે બહેનોનો જોરદાર અવાજ, શોષણનો અંત લાવવાની ચીમકી
માગણીઓ માન્ય નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલનની ચેતવણી

વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે આશા વર્કર બહેનોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો. પોતાની જુદીજુદી માંગણીઓને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ કોર્પોરેશન કચેરી ખાતે એકઠી થઈ હતી. લાંબા સમયથી માંગણીઓને લઈને રજૂઆતો થવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા મહિલાઓ રોષે ભરાઈ ગઈ હતી અને આજે તેઓએ પાલિકા મુખ્ય કચેરીનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ અચાનક ઉગ્ર આંદોલનથી સમગ્ર પાલિકા કચેરી પરિસરમાં હલચલ મચી ગઈ હતી.

વિરોધ પ્રદર્શન દરમિયાન મહાનગરપાલિકા તંત્રએ કચેરીનો મુખ્ય ગેટ બંધ કરી દીધો હતો, જેથી મહિલાઓ વધુ આક્રોશિત બની ગઈ હતી. તેમણે ગેટ પર ચડીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. “ઈન્સેટિવ પ્રથા બંધ કરો,” “સમાન કામ સમાન વેતન,” અને “શોષણ બંધ કરો” જેવા નારાઓ સાથે આશા વર્કર બહેનો દ્વારા પાલિકા વિરુદ્ધ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
આશા વર્કર બહેનો લાંબા સમયથી ઇન્સેટિવ આધારિત વ્યવસ્થાનો વિરોધ કરી રહી છે. તેઓ કહે છે કે દીઠા કામના આધારે મળતા ઇન્સેટિવને બદલે તેમને કાયમી અને નિશ્ચિત પગાર મળે, જેથી તેમના જીવનયાત્રામાં સ્થિરતા આવે. ઉપરાંત, બહેનોનો આક્ષેપ છે કે પોતાના કામ મુજબ પૂરતું વેતન મળતું નથી. “સમાન કામ સમાન વેતન”ની તેમની આ માંગ લાંબા સમયથી બાકી પડી છે. સાથે સાથે આશા વર્કર બહેનોએ સ્પષ્ટ જણાવ્યું કે સતત જવાબદારીભર્યુ કામ કરવા છતાં તેમને યોગ્ય માનસન્માન મળતું નથી, જેને તેઓ સ્પષ્ટપણે શોષણ ગણાવે છે.
આજના પ્રદર્શન દરમિયાન બહેનોનો રોષ એટલો ઉગ્ર બન્યો કે તેઓ ગેટ પર ચડીને પોતાનો વિરોધ જાહેર કરતી જોવા મળી હતી. અચાનક થયેલા આ પ્રદર્શનથી પાલિકા તંત્ર મુશ્કેલીમાં આવી ગયું હતું. કચેરી પરિસરમાં સૂત્રોચ્ચારોના ગુંજતા અવાજથી અફરાતફરી મચી ગઈ હતી. તંત્ર મુખ્ય ગેટ બંધ કરીને પરિસ્થિતિ કાબુમાં લેવા પ્રયત્નશીલ બન્યું હતું, પરંતુ મહિલાઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી કે જો આવનારા દિવસોમાં તેમની મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે.