Vadodara

વડોદરા પાલિકા કચેરીમાં બીમ તોડવાની કામગીરી દરમિયાન ભૂકંપ જેવો અહેસાસ થયો !

જર્જરીત પાલિકાની ઈમારતમાં ચાલી રહેલા સમારકામથી અધિકારીઓમાં ભયનું વાતાવરણ

વિભાગોને અન્યત્ર ખસેડ્યા વિના જ જર્જરીત ટોયલેટના સમારકામની કામગીરી ચાલી રહી છે

વડોદરા મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં હાલમાં ટોયલેટ સમારકામની કામગીરી ચાલી રહી છે. કાર્ય દરમિયાન ગઈકાલે એક મોટો બીમ તોડવામાં આવ્યો, જેના કારણે કચેરીમાં હાજર હજારો અધિકારીઓ અને કર્મીઓ થોડા સમય માટે ડરી ગયા. તેમને લાગ્યું કે, સંપૂર્ણ ઈમારત જ ધરાશાયી થઈ જશે છે. નામ ન આપવાની શરતે કર્મીઓ અને અધિકારીઓનું જણાવ્યું છે કે, કચેરી પહેલેથી જ જર્જરીત સ્થિતિમાં છે. આવી ઈમારતમાં સમારકામ કરવું જોખમી છે. સમારકામ શરૂ કરતા પહેલા તમામ વિભાગો અન્ય સેફ જગ્યાએ ખસેડવા જરૂરી હતા, પરંતુ હાલ કોઈને ખસેડવામાં આવ્યા નથી. દિવસ દરમિયાન કામગીરી ચાલતી રહે છે. કોઈ પણ બીમ કે અન્ય કોલમ તોડવા દરમિયાન સમગ્ર ઈમારતમાં જાણે ભૂકંપ આવ્યો હોય તેમ ધ્રુજી ઉઠે છે. પાલિકા કચેરીની સલામતી અંગે તાજેતરમાં કાયદેસરની કોઈ કાર્યવાહી કરાઈ નથી. તાજેતરમાં પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાની ઘટના બાદ પણ પાલિકા દ્વારા કોઈ બોધપાઠ લેવામાં આવ્યો નથી. તાજેતરમાં માર્ગ અને મકાન વિભાગે નર્મદા વિભાગની જર્જરીત ઈમારતો ખાલી કરવાની સૂચના આપી છે, પરંતુ વડોદરા પાલિકા કચેરીની ઇમારત જર્જરીત હોવા છતાં ત્યાં કામ કરતા કર્મીઓ અને અધિકારીઓ જીવના જોખમે કામ કરવા મજબૂર બન્યા છે.

હાલમાં ફક્ત ટોયલેટ સમારકામ માટેના બોર્ડ લગાવી કામગીરી શરૂ કરવામાં આવી છે, જે હાલ જોખમી બની છે. અધિકારીઓમાં ચર્ચા ચાલી રહી છે કે, જો કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદારી કોણ લેશે. વધુમાં ઠેર ઠેર પોપડા અને સળિયા પણ ખુલ્લા દેખાઈ રહ્યા છે. અધિકારીઓમાં અને કર્મીઓમાં અંદરખાને ગણગણાટ કરી રહ્યા છે કે, મજબૂરીમાં તેઓ સીધી રજૂઆત કરી શકે એમ નથી માટે તેઓ નામ જાહેર ન કરવાની શરતે ગુજરાતમિત્ર સાથે વાત કરી હતી.

કેવડા બાગ ખાતે પાલિકાની નવી કચેરીમાં આઠ વિભાગો શિફ્ટ કરાશે

કેવડા બાગ ખાતે પાલિકા દ્વારા છ માળની ઇમારત બનાવવામાં આવી રહી છે. માહિતી મુજબ, આગામી સમયમાં પાલિકાની વિવિધ વિભાગોને ત્યાં જગ્યા અપાશે. જેમાં એફોર્ડેબલ હાઉસીંગ વિભાગ, રોડ વિભાગ, UCD, જન્મ મરણ વિભાગ, ટ્રાફિક શાખા, સોલિડ વેસ્ટ સહિતની કચેરીઓ અહીં ખસેડવામાં આવશે.

વડી કચેરીના વિવિધ વિભાગો વુડા કચેરીમાં ખસેડવાની શક્યતા

વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે કાર્યરત વિવિધ વિભાગોને આગામી સમયમાં કારેલીબાગ સ્થિત વુડા કચેરીમાં શિફ્ટ કરવાની વિચારણા પણ ચાલી રહી છે. જો યોગ્ય વ્યવસ્થા વુડા ખાતે મળી રહેશે તો ખંડેરાવ માર્કેટ સ્થિત કચેરીઓ વુડા ખાતે શિફ્ટ કરવામાં આવશે. જેમાં ડ્રેનેજ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વરસાદી ગટર વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ સહિતની કચેરીઓ અહીં ખસેડવામાં આવી શકે છે.

Most Popular

To Top