સામાન્ય સભાના હંગામા બાદ આશિષ જોષી અચાનક સ્થાયી સમિતિના ચેરમેન શરણમાં; શું આ કોઈ નવા રાજકીય સમીકરણના સંકેત છે?
વડોદરા: મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતો વિવાદ આજે એક નવા વળાંક પર જોવા મળ્યો હતો. સામાન્ય સભામાં કોર્પોરેટર આશિષ જોષી દ્વારા થયેલી ઉગ્ર બોલાચાલી બાદ, આજે આશિષ જોષી અચાનક સ્થાયી સમિતિ ના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીને મળવા પહોંચ્યા હતા. બંધ બારણે યોજાયેલી આ મુલાકાતે પાલિકાના રાજકારણમાં અનેક તર્ક-વિતર્કોને જન્મ આપ્યો છે. જોકે, બંને નેતાઓએ આ મુલાકાતને માત્ર જનહિત અને પાણીના પ્રશ્નો પૂરતી મર્યાદિત ગણાવી છે.
આ બેઠકમાં મુખ્યત્વે આશિષ જોષીના વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આશિષ જોષીના મતે, તેમના વિસ્તારમાં નવા કોન્ટ્રાક્ટરને હજુ સુધી ઈજારો (ટેન્ડર) અપાયો નથી, જેના કારણે સ્થાનિક રહીશો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. જ્યાં સુધી કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા અથવા જૂના કામનું એક્સટેન્શન આપવાની માંગ સાથે આ બેઠક યોજાઈ હતી.
ભલે બંને પક્ષે આ મુલાકાતને સામાન્ય ગણાવી હોય, પરંતુ પાલિકાના વર્તુળોમાં ચર્ચા છે કે મેયર સામેના મોરચા બાદ આશિષ જોષીનું શાસક પક્ષના મહત્વના હોદ્દેદારને મળવું એ વ્યૂહાત્મક પગલું હોઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ રજૂઆત બાદ વડોદરાના પ્રજાલક્ષી પ્રશ્નોનું નિરાકરણ કેટલી ઝડપથી આવે છે.
“પાણી પુરવઠા મુદ્દે સ્થાયી સમિતિ સમક્ષ રજૂઆત”:. કોર્પોરેટર આશિષ જોષી
”મારા મત વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ છે. લાંબા સમયથી કોન્ટ્રાક્ટરને ઈજારો આપવામાં આવ્યો નથી, જેના કારણે જનતા પરેશાન થઈ રહી છે. આ અંગે મેં અગાઉ પણ અનેક રજૂઆતો કરી છે. આજે મેં સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી સાથે મુલાકાત કરી તેમને વિનંતી કરી છે કે જ્યાં સુધી નવો ઈજારો ફાઈનલ ન થાય, ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અથવા કામનું એક્સટેન્શન આપી પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે. આ માત્ર મારા વિસ્તારના પ્રશ્નોની રજૂઆત હતી, અન્ય કોઈ ગુપ્ત ચર્ચા થઈ નથી.”
“જનતાનો પ્રશ્ન, રાજકીય વિવાદ નહીં” ડૉ, શીતલ મિસ્ત્રી
“સ્થાયી સમિતિના ચેરમેન તરીકે કોઈપણ કોર્પોરેટર પોતાના વિસ્તારના પ્રશ્નો લઈને મને મળી શકે છે, તે તેમનો અધિકાર છે. આશિષભાઈ તેમના વિસ્તારમાં પાણીની તકલીફ અને ઈજારાના પ્રશ્ને રજૂઆત કરવા આવ્યા હતા. તેમણે રજૂઆત કરી છે કે કામ શરૂ ન થાય ત્યાં સુધી એક્સટેન્શન આપી વ્યવસ્થા જાળવી રાખવી. મેં તેમને ખાતરી આપી છે કે વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવી જનતાની પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે. આ મુલાકાતને કોઈ રાજકીય ચશ્માથી જોવાની જરૂર નથી.”