Vadodara

વડોદરા પાલિકામાં ફાઈલો ચોરી પછી હવે પાણીની ચોરીનુ નવું પ્રકરણ!

ફાઈલો ચોરી પછી હવે પાણીની ચોરી: કારેલીબાગ ટાંકીએથી એક મહિનાથી રજિસ્ટરની એન્ટ્રી વિના 15 ટેન્કરો દ્વારા પાણીનો કાળો કારોબાર, એક્ઝિક્યુટિવ એન્જિનિયરે તપાસના આદેશ આપ્યા

વડોદરા મહાનગરપાલિકા નું તંત્ર ફરી એકવાર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. અગાઉ, અતાપી વન્ડરલેન્ડ સહિતની અનેક મહત્ત્વપૂર્ણ ફાઈલો પાલિકાની કચેરીમાંથી કૌભાંડના ભાગરૂપે ચોરી થવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે હવે પાણીની ટાંકીએથી ટેન્કરો દ્વારા પાણી ચોરીનું વધુ એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેના વીડિયો વાયરલ થતાં તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.

નવા કૌભાંડની વિગતો અનુસાર, કારેલીબાગ પાણીની ટાંકીએથી રજિસ્ટરમાં કોઈપણ જાતની સત્તાવાર એન્ટ્રી કર્યા વિના ખાનગી ટેન્કરોમાં પાણી ભરીને લઈ જવામાં આવતું હતું. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે વહેલી સવારે 7 વાગ્યાના સુમારે ટેન્કર ભરીને ચોરી કરી લઈ જવાતું હતું.
​આ અંગે સ્થળ પર હાજર કારેલીબાગ ટાંકીના ફરજ પરના કર્મચારીએ આ બાબત કબૂલી હતી. તેમણે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, રોજે રોજ પાણી ભરીને અંદાજે 15 જેટલા ટેન્કર કારેલીબાગ પાણીની ટાંકીએથી જાય છે. આ જ રીતે, છેલ્લા એક મહિનાથી કોઈ જાતની એન્ટ્રી વગર ટેન્કર દ્વારા પાણી લઈ જવાતું હોવાની વિગતો સવારે હાજર રહેલા અન્ય એક કર્મચારીએ પણ આપી હતી.
સૌથી ગંભીર બાબત એ છે કે, રોજના 15 જેટલા ટેન્કરો પાણી ભરીને જતા હોવા છતાં, ટાંકીના રજિસ્ટરમાં માત્ર બે કે ત્રણ ટેન્કરની જ નોંધણી થતી હોય છે. આ દર્શાવે છે કે બાકીના ટેન્કરો દ્વારા પાણીની ચોરી સંગઠિત રીતે અને અધિકારીઓની મિલીભગતથી ચાલતી હતી.
​ઘટનાની જાણ થતાં જ, ગણતરીની મિનિટોમાં જ ડેપ્યુટી એન્જિનિયર સ્થળ પર હાજર થયા હતા. પાણી ચોરી અંગે પૂછપરછ કરાતાં, તેમણે માત્ર ખાતાકીય જવાબ આપતા જણાવ્યું હતું કે, “આ અંગે તપાસ કરીને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરાશે.”
પાણી ચોરીના કૌભાંડની ગંભીરતા ત્યારે વધુ વધી જ્યારે કારેલીબાગ પાણીની ટાંકીના રજિસ્ટરની તપાસ કરવામાં આવી. રજિસ્ટરમાં પહેલી એન્ટ્રી સવારે 8 વાગ્યા પછીની જણાઈ હતી, જ્યારે પાણી ચોરીનો વિડીયો સવારે 7 વાગ્યાનો છે. આના પરથી સવાલ ઊભો થયો છે કે, “વહેલી સવારે 7 વાગ્યાના સુમારે પાણી ભરીને ભાગી ગયેલા ટેન્કર ચાલકની એન્ટ્રી ક્યાં?” આ બાબત સમગ્ર મામલે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટચાર તરફ આંગળી ચીંધે છે.

આ અંગે પાલિકાના સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રીને જાણ કરાતા સ્વીકાર્યું હતું કે આ પ્રવૃત્તિ ગેરકાયદે છે. તેમણે જણાવ્યું કે,
​”શહેરની પ્રત્યેક ટાંકીએથી પાણી ભરનાર પાલિકાના ટેન્કરો દ્વારા શહેરીજનોને વિનામૂલ્યે પાણી આપવામાં આવે છે. પરંતુ, આવી રીતે કોઈ ખાનગી ટેન્કર દ્વારા ભરાઈ જતું પાણી જે તે વ્યક્તિ વેચાણથી જરૂરમંદોને આપતા હોય છે. આ પ્રવૃત્તિ તદ્દન ગેરકાયદે છે અને આ બાબતે પાણીની ટાંકીના તમામ જવાબદાર અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ.”

​આ મામલે એક્ઝિક્યુટિવ એન્જિનિયર હેમલ સિંહ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે,
​”કારેલીબાગ પાણીની ટાંકીએ રજિસ્ટર માં એન્ટ્રી વગર પ્રાઇવેટ પાણીના ટેન્કરો ભરાય છે. આ વાત ધ્યાને આવતા ઈજારદાર તેમજ ઇન્ચાર્જને પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”

Most Popular

To Top