સંસ્કારી નગરીને ગંદકીમુક્ત કરવા મ્યુનિસિપલ તંત્રનો આક્રમક મિજાજ, રોજ સરેરાશ ₹1.13 લાખનો દંડ વસૂલી નિયમભંગ કરનારાઓના ગજવા ગરમ કર્યા

(પ્રતિનિધિ), વડોદરા. તા.7
વડોદરા શહેરને સ્વચ્છતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડવા માટે વડોદરા મહાનગરપાલિકા (VMC) એ હવે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી છે. વડોદરાના રસ્તાઓ પર કચરો ફેંકનારા, પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા અને બાંધકામનો વેસ્ટ રસ્તા પર નાખનારા તત્વો સામે પાલિકાએ અત્યાર સુધીનું સૌથી મોટું અને સઘન અભિયાન છેડ્યું છે. ફેબ્રુઆરી મહિનાના માત્ર 25 દિવસમાં પાલિકાએ કુલ રૂ. 28,43,500 નો દંડ વસૂલીને વડોદરાના ઇતિહાસમાં એક નવો વિક્રમ સ્થાપ્યો છે. આ આંકડો સાબિત કરે છે કે હવે ગંદકી કરવી વડોદરાવાસીઓને મોંઘી પડશે. હવે વડોદરાના માર્ગો પર ગંદકી કરીને છટકી જવું અશક્ય છે. પાલિકાના ‘આઈટી’ વિભાગે સ્માર્ટ સિટી અંતર્ગત લાગેલા સીસીટીવી કેમેરાનો હથિયાર તરીકે ઉપયોગ શરૂ કર્યો છે. કંટ્રોલ સેન્ટરમાં બેઠેલા કર્મચારીઓ સ્ક્રીન પર સતત મોનિટરિંગ કરી રહ્યા છે. જે લોકો વાહન પરથી કચરો ફેંકે છે અથવા જાહેર સ્થળોએ ગંદકી કરે છે, તેમની ઓળખ કરીને ઘરે મેમો મોકલવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. ફેબ્રુઆરીના ટૂંકા ગાળામાં જ આવા 24 શખ્સોને ઓળખી કાઢી ₹12,200નો દંડ ફટકારવામાં આવ્યો છે. પાલિકા દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ, શહેરના તમામ વોર્ડમાં સવાર-સાંજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રસ્તા પર કચરો ફેંકનારાઓ પાસેથી સૌથી વધુ ₹14.39 લાખ વસૂલાયા. રાત્રિના સમયે કચરો ઠાલવતા તત્વો સામે ₹4.22 લાખ ની કાર્યવાહી. પર્યાવરણના દુશ્મન એવા પ્લાસ્ટિકના વપરાશ બદલ ₹3.34 લાખ નો દંડ. બાંધકામનો કાટમાળ રસ્તા પર નાખનારા બિલ્ડરો અને આસામીઓ પાસેથી ₹3.02 લાખ ખંખેર્યા.
સામાન્ય રીતે ઘણા વેપારીઓ અને નાગરિકો રાત્રિના સમયે દુકાન કે ઘરનો કચરો જાહેર માર્ગો પર ફેંકી દેતા હોય છે. આ બદીને ડામવા માટે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ખાસ ‘નાઈટ વિજિલન્સ ટીમ’ બનાવવામાં આવી છે. આ ટીમે શહેરના મુખ્ય સર્કલો, ફૂટપાથ અને જાહેર બગીચાઓ પાસે વોચ ગોઠવીને અનેક લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. નાઈટ ડ્રાઈવમાં વસૂલાયેલા ₹4.22 લાખ એ બાબતનો પુરાવો છે કે હવે પાલિકા 24 કલાક સજાગ છે.
કેન્દ્ર સરકારના નિયમો મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ છે. વડોદરા પાલિકાએ ફેબ્રુઆરી માસમાં શહેરના શાકભાજી માર્કેટ, ખાણીપીણીની લારીઓ અને મોટા મોલ્સમાં અચાનક દરોડા પાડીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંતર્ગત રૂ. 3.34 લાખનો દંડ વસૂલીને વેપારીઓને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો બીજીવાર પ્લાસ્ટિક જણાશે તો લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.
વડોદરા મહાનગરપાલિકાએ આ આંકડાઓ જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે વડોદરાને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર તંત્રની નથી. પાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કચરા ગાડીમાં જ કચરો આપે, જાહેરમાં પિચકારી ન મારે અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે. જો વડોદરાવાસીઓ પોતાની આદત નહીં બદલે, તો પાલિકાની આ ‘દંડકીય તવાઈ’ આવનારા દિવસોમાં હજુ વધુ કડક બનશે.