Vadodara

વડોદરા પાલિકાનો સપાટો: ‘વન ડે વન રોડ’ મિશન હેઠળ ડેરી ડેન વિસ્તારમાંથી 4 ટ્રક ભરીને દબાણો જપ્ત​

મ્યુનિસિપલ કમિશનરના આદેશથી વોર્ડ-13માં મેગા ડ્રાઈવ; રસ્તા પર નડતરરૂપ ગેરકાયદે ઓટલા અને શેડ તોડી પડાયા

વડોદરા શહેરને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ‘વન ડે વન રોડ’ મિશન અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો હટાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ અભિયાનના ભાગરૂપે આજે શહેરના વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ ડેરી ડેન સર્કલ અને તેની આસપાસના વિસ્તારોમાં પાલિકાની ટીમો ત્રાટકી હતી. રસ્તા પર નડતરરૂપ અને ટ્રાફિકને અવરોધતા ગેરકાયદે દબાણો પર પાલિકાએ સપાટો બોલાવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 4 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
પાલિકાની આ ડ્રાઈવ માત્ર લારી-ગલ્લા પૂરતી મર્યાદિત નહોતી. મકાનો અને દુકાનોની બહાર વધારાના કરવામાં આવેલા બાંધકામો, ઓટલા અને શેડ કે જે જાહેર માર્ગ પર દબાણ કરતા હતા, તેને પણ મશીનરીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. રસ્તાઓ સાફ અને ખુલ્લા કરવા માટે પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો ઘટનાસ્થળે હાજર રહ્યો હતો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ મિશન શહેરના મુખ્ય માર્ગોને ટ્રાફિક મુક્ત અને સુંદર બનાવવા માટે છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ‘વન ડે વન રોડ’ અંતર્ગત આ પ્રકારે આકસ્મિક તપાસ અને દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે તેવી સૂચના આપવામાં આવી છે. પાલિકાની આ કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જનતાનો સવાલ: શું આ સફાયો કાયમી રહેશે કે ફરી લારી-ગલ્લાનો જમાવડો થશે?

​વડોદરા પાલિકા દ્વારા ‘વન ડે વન રોડ’ મિશન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી બાદ હવે લોકોમાં અનેક ચર્ચાઓ જાગી છે. ડેરી ડેન વિસ્તારમાં 4 ટ્રક સામાન જપ્ત કરીને રસ્તો તો ખુલ્લો કરી દેવાયો છે, પરંતુ સ્થાનિકોના સવાલો હજુ યથાવત છે. શું પાલિકાની આ દબાણ શાખા વર્ષભર આવી જ રીતે સક્રિય રહેશે? કે પછી દર વખતની જેમ થોડા દિવસો બાદ ફરીથી અહીં લારી-ગલ્લા અને પથારાવાળાઓનો જમાવડો થઈ જશે? ચર્ચાઓ તો એવી પણ છે કે પાલિકાની ‘હપ્તાખોરી’ અને આશીર્વાદને કારણે જ આવા દબાણો ફૂલેફાલે છે. હવે જોવાનું એ રહે છે કે ડેરી ડેનનો આ વિસ્તાર કેટલા દિવસ સુધી દબાણમુક્ત અને ખુલ્લો રહે છે, કે પછી તંત્રની કામગીરી માત્ર કાગળ પર અને થોડા દિવસના દેખાડા પૂરતી જ સીમિત રહી જશે!

Most Popular

To Top