વડોદરા મહાનગરપાલિકાની આ વિચિત્ર કાર્યપદ્ધતિ અને લોકોના ટેક્સના પૈસાનો જે રીતે વેડફાટ થઈ રહ્યો છે, તે ખરેખર ચિંતાનો વિષય છે
(પ્રતિનિધિ), વડોદરા. તા.30
વડોદરા મહાનગર પાલિકાની બેધારી નીતિ ચર્ચાનો વિષય બન્યો. કારેલીબાગમાં ‘સારા’ પેવર બ્લોક ઉખેડી નાણાંનું આંધણ, જ્યારે VIP રોડ પર ૩ વર્ષથી જનતા ફૂટપાથ માટે વલખાં મારે છે. સંસ્કારી નગરી વડોદરામાં ભ્રષ્ટાચારના મૂળિયાં કેટલા ઊંડા ઉતરી ગયા છે તેનો જીવતો જાગતો પુરાવો કારેલીબાગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે પ્રજાની પરસેવાની કમાણીના નાણાંનો રીતસરનો ધુમાડો થઈ રહ્યો છે.
કારેલીબાગ વિસ્તારમાં આવેલા શિવાલય સર્કલ (ચાર રસ્તા) થી કારેલીબાગ સ્વિમિંગ પૂલ તરફ જવાના માર્ગ પર હાલમાં જ નવી ફૂટપાથ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે, અહીં જે જૂના પેવર બ્લોક લગાવેલા હતા તે એકદમ સુવ્યવસ્થિત અને સારી હાલતમાં હતા. તેમ છતાં, ‘વિકાસ’ના નામે અને બજેટ વાપરી નાખવાના આશયથી આ સારા બ્લોકને ઉખેડીને નવા બ્લોક નાખવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

એક તરફ જ્યાં જરૂર નથી ત્યાં નવા બ્લોક નંખાય છે, ત્યારે બીજી તરફ કારેલીબાગ વીઆઇપી રોડની સ્થિતિ અત્યંત દયનીય છે. આ માર્ગની બંને બાજુ ફૂટપાથ બનાવવા માટે છેલ્લા ૩ વર્ષથી જાગૃત નાગરિક દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં, પાલિકાના બહેરા કાન સુધી આ અવાજ પહોંચતો નથી. શું પાલિકાના અધિકારીઓને વીઆઇપી રોડના તૂટેલા ફૂટપાથ દેખાતા નથી ? કે પછી ત્યાં નવો કોન્ટ્રાક્ટ આપવામાં કોઈને રસ નથી ?
કમિશનનો ખેલ ? સારા બ્લોક કાઢીને નવા નાખવા પાછળ કોનું હિત છુપાયેલું છે ?
આયોજનનો અભાવ :- શું પાલિકા પાસે એવો કોઈ સર્વે નથી કે કયા વિસ્તારમાં ફૂટપાથની વધુ જરૂર છે ?
જનતાના પૈસાનો વેડફાટ :- પ્રજાના ટેક્સના નાણાં આ રીતે બિનજરૂરી કામોમાં કેમ વાપરવામાં આવે છે ?
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો પાલિકા પાસે વધારાનું બજેટ હોય તો તે વીઆઇપી રોડ જેવા વિસ્તારોમાં વાપરવું જોઈએ જ્યાં ખરેખર લોકોની સુવિધાનો પ્રશ્ન છે. શું તંત્ર આ બાબતે તપાસ કરશે ખરું ?