Vadodara

વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ઉગ્ર બની, અધિકારી પર આવશે તવાઇ


ચેરમેનને કહ્યું કે, અધિકારી કાઉન્સિલરની રજુઆત સાંભળે અને તાત્કાલીક કામગીરી કરે તેમ થવું જોઇએ – કોર્પોરેટર

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની કચેરીએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી. આ બેઠકમાં સભ્યો દ્વારા કમિટીના ચેરમેનને ઉગ્ર સ્વરૂપે રજુઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સમિતીના સભ્યો બેઠકમાં અધિકારીઓ કામ ના કરી રહ્યા હોવાની વાતે ફરી વળ્યા હતા. જે રીતે બેઠકમાં રજુઆત કરવામાં આવી છે, તેના પરથી આવનાર સમયમાં પાલિકાના ટીપીઓ વિભાગના અધિકારી પર તવાઇ આવશે તેવું લાગી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ચેરમેન દ્વારા બેઠકમાં પેન ફેંકીને જવાનો ડોળ કરવામાં આવ્યો હતો. જો કે, થોડી વારમાં સ્થિતી સામાન્ય થઇ ગઇ હતી. આજની બેઠક અંગે કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ જણાવ્યું કે, વિસ્તારમાં કામો રોડ, પેચવર્કના નથી થતા. બ્રિજના કામો અંગે ના પાડી છે. બ્રિજની લોકોને જરૂર નથી. પાણી, ડ્રેનેજની લાઇન બદલવાની જરૂરત છે. ટીડીઓમાં અનેક વખત અધિકારીઓને કહ્યું છે, કાંસ પરના દબાણો દુર કરવામાં આવે. ચેરમેન તથા અન્ય સભ્યોએ કહ્યું છતાં ટીડીઓમાંથી કામગીરી કરવામાં આવી નથી. જેથી ચેરમેન અને કમિશનર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, ટીડીઓ વિભાગમાં બદલી કરવામાં આવશે. કોર્પોરેટર તેજલ વ્યાસે જણાવ્યું કે, મારા મતવિસ્તારની રજુઆત હતી. ચોમાસામાં મારા મતવિસ્તારમાં પ્રભુ નગર, ઝવેરી નગર, સુવર્ણ લક્ષ્મી નગર, ખુબ પાણી ભરાયા હતા. અને નાગરિકો સામાન્ય વર્ગનાને ખુબ તકલીફ પડી હતી. તેના માટે ચેરમેનને રજુઆત કરી હતી. અને કામ કરવા જણાવ્યું છે. તાત્કાલિક ઘોરણે આનો નિર્ણય લેવો પડશે. લોકોને પીવાનું પાણી પહોંચાડવું અને વરસાદી પાણીનો નિકાલ બંને મહત્વની વાત છે. ચેરમેનને વાત કરી છે. એક અઠવાડિયામાં સમાધાન આવશે. અમુક સભ્યો દ્વારા અધિકારીઓ કામ ના કરતા હોવાથી તેમને બદલી નાંખવા માટેની રજુઆત કરી છે. અમે ચેરમેન સાહેબને કહ્યું કે, અધિકારી કાઉન્સિલરની રજુઆત સાંભળે અને તાત્કાલીક કામગીરી કરે તેમ થવું જોઇએ. ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, આજે જે એજન્ડામાં કામો હતા તેમાં ચર્ચા થઇ છે. અમુક અધિકારીઓને કામો અંગે રજુઆત કરવા છતાં પણ મોડું થતું હોવાની પણ રજુઆત હતી. અધિકારીઓ સાંભળતા ના હોય. બે અધિકારીઓ સામે ફરિયાદ હતી. તેમને બોલાવીને સુચના આપી છે. કમિશનરને સુચના આપીને અધિકારીઓને નોટીસ આપીને તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. રોડ-રસ્તા દબાણ મુક્ત કરવાના હોય તેમાં સ્થાયીમાં રજુઆત બાદ પણ કામોના ફોલોઅપ થતા ન્હતા. કોઇએ ઉગ્ર સ્વરમાં રજુઆત કરી નથી. આજે 27 કામો મુકવામાં આવ્યા હતા. તેમાંથી 5 મુલતવી અને 1 નામંજુર કરવામાં આવ્યું છે. અધિકારીઓ ગાંઠે તો ખરા, નાના મોટા ડીલે થતું હોય છે. જે કામ પ્રાથમિકતાના હોય તે કરવા જ જોઇએ. જે પ્રમાણે સમસ્યા સામે આવશે તેમ નિર્ણયો લેવામાં આવશે. આજની બેઠકમાં રાત્રી બજારની દુકાનો આપવી, સ્લોટર હાઉસના કામ, મિકેનીકલ ખાતાના વાહનોની ખરીદી, પેવર બ્લોકના કામો, ઓડીટ વિભાગના કામને ધ્યાને લીધું, દબાણ, સિક્યોરીટી અને ઢોર શાખાના કામોમાં રૂ. 22 કરોડના કામોનો સૈદ્ધાંતિક મંજુરી, ગોત્રીમાં કેનાલનું નેટવર્ક, ટીપી 13 માં પાણીના નેટવર્કનું કામ, પંપીંગ સ્ટેશનના ત્રણ વર્ષના કામો, પાર્ક્સ શાખાની નાણાંકિય મર્યાદા, પ્લાન્ટને પાણી માટે ટેન્કરના ભાવો, ઝાડ ટ્રીમીંગ, નવીન બગીચાની નિભાવણી, બ્રિજના કામો, નવાપુરા પંપીંગ સ્ટેશન અપગ્રેડેશન, તળાવોની સફાઇ, જેવા કામોને નાના મોટા ફેરફાર સાથે મંજુરી આપવામાં આવી છે.

Most Popular

To Top