Vadodara

વડોદરા પાલિકાની સામાન્ય સભા હોબાળામાં સમેટાઈ : અભિનંદન પ્રસ્તાવ પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે તૂ-તૂ, મેં-મે

જી.એસ.ટી. દર ઘટાડવા બદલ મુકાયેલા અભિનંદન પ્રસ્તાવને લઈ વિપક્ષે કર્યો હંગામો

કોંગ્રેસના કાઉન્સિલરોએ કાગળ ફાડી મેયર તરફ ફેંકતા ઉગ્ર પરિસ્થિતિ

હરણી બોટ દુર્ઘટનામાં સંતાનો ગુમાવનાર માતાઓ પાસ લઈ પ્રેક્ષક ગેલેરીમાં હાજર, છતાં પોલીસે અટકાયત કરી

વડોદરા

વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે ગુરુવારે યોજાયેલી સામાન્ય સભા હંગામા વચ્ચે સમાપ્ત કરવી પડી હતી. સભા શરૂ થતાં જ સત્તારૂઢ ભાજપ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GST દર ઘટાડ્યા તે બદલ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાયો, પરંતુ વિપક્ષ કોંગ્રેસના કાઉન્સિલરોએ આ મુદ્દે ભારે વિરોધે ઊભો કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ સભા હોલની વચ્ચે આવી કાગળ ફાડી મેયર સામેનાં ફેંકતાં સભાનો માહોલ ગરમાયો હતો.

વિપક્ષી કોંગ્રેસના સભ્યોનું કહેવું હતું કે શહેરમાં પીવાના પાણીની અછત, ભંગાણ પામેલા રસ્તાઓ, ઉભરાતા ડ્રેનેજ જેવા લોકજીવનના તાત્કાલિક પ્રશ્નો વધ્યા છે. નાગરિકોની રોજબરોજની સમસ્યાઓ પર સભામાં ચર્ચા થવી જોઈએ. તેના બદલે પાલિકા વડાપ્રધાનના નિર્ણયો પર અભિનંદન પાઠવી ‘સસ્તી લોકપ્રિયતા’ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ કાઉન્સિલરોના આક્ષેપ મુજબ વડાપ્રધાનને અત્યાર સુધી જીએસટીમાં વધારો કરીને પ્રજાને બોજ નાખી પછી આંશિક રાહત આપી છે, ત્યારે તેનો ગૌરવગાન કરવા પાલિકાની સભાનો સમય બગાડવો યોગ્ય નથી.


બીજી તરફ ભાજપના કાઉન્સિલરો એ વિપક્ષના હંગામાને નિરાધાર ગણાવ્યો. તેઓએ કહ્યું કે વિપક્ષના લોકો સભા ચાલી શકે તેમ ઇચ્છતાં નથી, માટે અસ્થિરતા ફેલાવવાનું નક્કી કર્યું છે. વિકાસલક્ષી કામોની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે ખોટા આક્ષેપો સાથે વિપક્ષ દ્વારા વાતાવરણ બગાડવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી દ્વારા જીએસટીના સ્લેબમાં ઘટાડાથી પ્રજાને ફાયદો થવાનો છે, ત્યારે તે બાબતે પાલિકા અભિનંદન પાઠવે તો તેમાં ખોટું કંઈ નથી. પણ વિપક્ષ દ્વારા કાગળ ફાડી મેયર તરફ ફેંકવામાં આવ્યા તે દુર્ભાગ્યપૂર્ણ છે.
સભાનો માહોલ વધુ બગડતા અંતે મેયરે કાર્યવાહી અટકાવી સભા મુલતવી કરી પોતાની બેઠક છોડી દીધી હતી.

હરણી બોટકાંડનાં પીડિતો સામે કડકાઈ …


આજની સભાની ખાસિયત એ રહી કે હરણી બોટ દુર્ઘટનામાં પોતાના બાળકો ગુમાવનારી બે માતાઓ પ્રેક્ષક ગેલેરીમાં હાજર રહેવા આવી હતી. તેઓ પાસ ધરાવતા હોવા છતાં પોલીસે તેમને અટકાયત કરી હોવાનું જણાઈ રહ્યું છે, જેના કારણે ચર્ચાનો નવો મુદ્દો ઊભો થયો હતો.

Most Popular

To Top