સરદાર એસ્ટેટથી વૃંદાવન સર્કલ તરફ આવતા રીક્ષા ખાડામાં પડતા પલટી ખાઈ ગઈ, ગંભીર રીતે ઘવાયેલા ચાલકનું મોત
વડોદરા તારીખ 25
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતો 38 વર્ષીય યુવક રીક્ષા ચાલક આજે વહેલી સવારે સરદાર એસ્ટેટથી વૃંદાવન સર્કલ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન રોડ પર પડેલા ખાડાના કારણે તેમની રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. પાલિકા દ્વારા ખોદી નાખવામાં આવેલા ખાડાના કારણે આશાસ્પદ યુવકનું મોત નીપજતા પરિવારમાં પણ કોર્પોરેશન સામે ભારે રોષ જોવા મળ્યો હતો.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર બાપોદ વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા અનીલભાઈ ઠાકોરભાઈ વસાવા ( ઉવ.38) 24 જૂન ના રોજ રાત્રિના નવ વાગ્યાના અરસામાં જમ્યા બાદ રાત્રે નવેક વાગે રીક્ષાના ફેરો કરવા માટે લઈને નીકળ્યા હતા. 25 જૂનના રોજ વહેલી સવારના સાડા ચારેક વાગ્યે અનીલ ભાઇની રીક્ષા સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી વૃંદાવન સર્કલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રોડ પર પડેલા ખાડાના કારણે અનીલભાઈની રીક્ષા પલટી ખાઇ ગઈ હતી. જેમાં રીક્ષા ચાલક અનિલ વસાવાને ગંભીર ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સમાં એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બાપોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકના બનેવી રાજેશ માછીએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે મારા સાડા અનિલ વસાવા સરદાર એસ્ટેટથી બાપોદ પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તા પર પડેલા ખાડાના કારણે તેમને રીક્ષા પલટી ખાઈ ગઈ હતી અને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ રીતના રોડ ઉપર પાલિકા દ્વારા ઘણી જગ્યા પર ખાડા ખોદી નાખવામાં આવ્યા છે જેના કારણે અકસ્માત થઈ રહ્યા છે, તો આ ખાડાના કારણે થતા અકસ્માતમાં નિર્દોષ લોકો મોત ને ભેટી રહ્યા છે તો તેના માટે જવાબદાર કોણ તેવા ગંભીર સવાલો પણ કર્યા હતા.