Vadodara

વડોદરા પાલિકાની બેઠકમાં કરોડના વિકાસ કામોને મંજૂરી: કુલ 29 દરખાસ્તો પાસ

​શહેરમાં નવા રસ્તા, ગટર અને પાણીની સુવિધાના 17 કામોને બહાલી, જ્યારે 12 કામોની મુદત લંબાવવામાં આવી

પાણી પુરવઠામાં કોઈ કચાશ નહીં: વિવિધ વોર્ડમાં લાઈનોની નિભાવણી માટે વધારાનું બજેટ ફાળવાયું, ઉનાળામાં રાહતની આશા

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે શુક્રવારે સ્થાયી સમિતિની મહત્વની બેઠક અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને વેગ આપવા માટે કુલ 30 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. લાંબી ચર્ચા અને વિચારણાના અંતે 29 કામોને બહુમતી સાથે મંજૂરી આપવામાં આવી છે, જ્યારે એક દરખાસ્તને માત્ર જાણ હેઠળ લેવામાં આવી છે. પાલિકા દ્વારા આ વખતે ખાસ કરીને રોડ પ્રોજેક્ટ, પાણી પુરવઠા અને વરસાદી ગટર જેવી પાયાની જરૂરિયાતો પર કરોડો રૂપિયાના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
​શહેરના પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં ટ્રાફિક અને રસ્તાની સુવિધા સુધારવા માટે મોટા પાયે આરસીસી રોડ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ઊંડેરા વિસ્તારમાં મસાણી માતાના મંદિરથી રેલવે ટ્રેક સુધી આશરે 12.89 કરોડના ખર્ચે 24 અને 18 મીટરના રસ્તાઓ બનાવવામાં આવશે. આ ઉપરાંત બાજવા ગરનાળાથી મ્યુનિસિપલ હદ સુધી 14.54 કરોડના ખર્ચે નવો 24 મીટરનો રસ્તો તૈયાર કરાશે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાને ધ્યાને રાખીને વોર્ડ નં. 10 અને 16 માં નવી વરસાદી ગટર પાઈપલાઈન નાખવા માટે લાખો રૂપિયાના ખર્ચને મંજૂરી અપાઈ છે.
​પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે વોર્ડ નંબર 4, 6, 15, 16, 17, 18 અને ૧૯ માં લાઈનોની નિભાવણી અને નવી નળિકા નાખવાના કામોને મંજૂરી અપાઈ છે. અનેક કામોમાં સમય મર્યાદા અને નાણાકીય મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે, રોડ સેફ્ટી માટે ચારેય ઝોનમાં થર્મોપ્લાસ્ટિક પેઈન્ટના કામો માટે વધારાના 50-50 લાખ રૂપિયા ફાળવાયા છે. આ તમામ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે.

:- હાઈવે ઓથોરિટી પાલિકાને 4.40 કરોડ ચૂકવશે…
​શહેરના જીએસએફસી સામેના બ્રિજની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય ફીડર લાઈનમાં લીકેજ થવાની ઘટના બની હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હયાત લાઈનને શિફ્ટ કરવાની કામગીરી પાલિકા દ્વારા 4.40 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી હતી. જોકે, આ ખર્ચ પાલિકાની તિજોરી પર નહીં પડે, કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટી આ રકમ વડોદરા પાલિકાને રી-એમ્બર્સ કરશે, જેની દરખાસ્તને આજે સમિતિએ જાણમાં લીધી છે.

Most Popular

To Top