ફાફડા-જલેબીના વિક્રેતાઓ પર પાલિકાની ‘નિયમિત’ તપાસ, પણ પરિણામો ‘આફ્ટર પાર્ટી’!
વડોદરા : ગુરુવારે સમગ્ર રાજ્યમાં દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી થવાની છે, અને વડોદરાવાસીઓ આ પર્વ નિમિત્તે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગે છે. આ પર્વના એક દિવસ પહેલાં, વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા અને જલેબીનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શંકાસ્પદ જણાતા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જોકે, પાલિકાની આ તપાસની સમયસરતા અને રીતભાત સવાલોના ઘેરામાં આવી ગઈ છે. તેનું મુખ્ય કારણ એ છે કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે (દશેરાના બે દિવસ પહેલાં) લેવાયેલા આ નમૂનાઓના પરિણામો દશેરા પર્વ પૂર્ણ થયા બાદ આવશે. ત્યાં સુધીમાં તો લોકો મોટા પાયે ફાફડા-જલેબી આરોગી ચૂક્યા હશે, અને જો ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં કોઈ ગંભીર ક્ષતિ હશે તો પણ ગ્રાહકોને આરોગ્યનું નુકસાન થઈ ચૂક્યું હશે. વિલંબિત પરિણામને કારણે આ સમગ્ર કાર્યવાહીની અસરકારકતા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.

તપાસની કાર્યવાહી પર સવાલ ઉઠાવવાનું બીજું એક મહત્વનું કારણ એ પણ ચર્ચાઈ રહ્યું છે કે, જે વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવાનું હતું, ત્યાં અધિકારીઓ પહોંચે તે પહેલાં પાલિકાની ફૂડ સેફ્ટીનું ચેકિંગ કરતી વાન અચાનક પહોંચી ગઈ હતી.
વેપારી અને વિક્રેતાઓ માટે ફૂડ સેફ્ટી વાનનું અચાનક સ્થળ પર પહોંચવું એ પાલિકાની આગામી કાર્યવાહીનો આડકતરો સંકેત આપે છે, તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. બજારમાં એવી ચર્ચાઓ છે કે આ કારણે વેપારીઓ અને વિક્રેતાઓ એલર્ટ થઈ ગયા હશે અને તેમને જે કોઈ કામગીરી કરવી હોય જેમ કે શંકાસ્પદ ખાદ્ય સામગ્રી ખસેડવી કે અન્ય વ્યવસ્થા કરવી તેનો પૂરતો સમય મળી ગયો હશે.

પાલિકાની આરોગ્ય શાખા દ્વારા સમયાંતરે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ પર તપાસ કરવામાં આવતી હોય છે. દશેરા અને તેના પછી આવનારી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ તપાસ જરૂરી છે, પરંતુ તેની પદ્ધતિ અને પરિણામોની સમયરેખાએ શંકા ઊભી કરી છે.
હવે એ જોવાનું રહે છે કે પાલિકાની ટીમ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓનું પરિણામ ક્યારે જાહેર થાય છે, તેમાં શું સામે આવે છે અને ખાદ્ય ગુણવત્તામાં કસૂરવાર ઠરનારા વિક્રેતાઓ સામે પાલિકા દ્વારા કઈ અને કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે.
ભાવ ઉપર કોઈ નિયંત્રણ નહીં

બીજી બાજુ ફાફડા વપરાતી સામગ્રીનો ભાવ અને ફાફડા બનાવીને વેચવાના ભાવમાં 300% નો વધારો થઈ જાય છે. તેજ રીતે જલેબી બનાવવાનો સામાન અને જલેબી બન્યા પછીના ભાવમાં પણ અનેક ગણા વધારે ભાવથી વેચાણ કરવામાં આવે છે. જેમાં કોઈ પ્રકારનું નિયંત્રણ નથી રાખવામાં આવતું. ફાફડા 300 રૂપિયે કિલોથી લઈ 600 રૂપિયે કિલોના ભાવથી વેચાણ કરવામાં આવે છે. તેવીજ રીતે જલેબી પણ મન ફાવે તે ભાવથી વેચાણ કરવામાં આવે છે . ત્યારે પાલિકા દ્વારા આવા વિક્રેતા પર શું કાર્યવાહી કરાય છે એ પણ એક સવાલ ઉભો થયો છે.