ખંડેરાવ માર્કેટમાં સેંકડો ગાડીઓના દબાણ વચ્ચે માત્ર મહારાષ્ટ્ર પાસિંગની 4 ફૂલોની ગાડીઓ પકડી સંતોષ માનતી પાલિકા | નારિયેળના મોટા વેપારીઓ સામે તંત્રના ‘આંખ આડા કાન’
વડોદરા: મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ફૂલો ભરેલી ચાર ગાડીઓ પકડી પાડી દંડની વસૂલાત કરવામાં આવી હતી. જોકે, પાલિકાની આ કામગીરી બાદ શહેરમાં અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચર્ચા છે કે પાલિકાની ટીમ માત્ર બહારથી આવતા વેપારીઓને ટાર્ગેટ કરી રહી છે, જ્યારે સ્થાનિક વગદાર નારિયેળ અને ફળોના વેપારીઓ સામે કાર્યવાહી કરતા પાલિકાના અધિકારીઓના હાથ ધ્રૂજી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, દબાણ શાખાની ટીમે ખંડેરાવ માર્કેટ પાસેથી મહારાષ્ટ્ર પાસિંગની ફૂલો ભરેલી ચાર ગાડીઓ ઝડપી પાડી હતી. આ ગાડીઓને પાલિકા કચેરી ખાતે કમિશનરના ગેટ પાસે લાવી ઊભી રાખી દેવામાં આવી હતી અને દંડ ફટકાર્યો હતો. પાલિકાના અધિકારીઓ જાણે બહુ મોટો જંગ જીત્યા હોય તેમ પોતાની પીઠ થાબડી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે.

ખંડેરાવ માર્કેટમાં વહેલી સવારે 4 થી 8 વાગ્યા દરમિયાન સ્થિતિ અત્યંત ગંભીર હોય છે. ત્યાં અંદાજે 100 થી 150 જેટલી ફૂલ-ફળની ગાડીઓ ખડકાયેલી હોય છે, જેના કારણે સામાન્ય નાગરિકોને ચાલવું પણ મુશ્કેલ બને છે. ખાસ કરીને નારિયેળની 18 થી 20 જેટલી મોટી ગાડીઓ કાયમી અડિંગો જમાવીને ઊભી હોય છે. છતાં પણ દબાણ શાખા આ મોટા વેપારીઓ સામે કોઈ પગલાં લેતી નથી. શું આ સ્થાનિક વેપારીઓ પર પાલિકાના અધિકારીઓ મહેરબાન છે? તેવો સવાલ ઉઠ્યા છે.

પાલિકાની આ કામગીરીથી એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા માત્ર નાના અથવા બહારથી આવતા વેપારીઓ પર જ જોર બતાવી શકે છે. ખંડેરાવ માર્કેટના મુખ્ય માર્ગો પર થતા કાયમી દબાણો દૂર કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે, શું આગામી દિવસોમાં પાલિકા નારિયેળના વગદાર વેપારીઓ સામે લાલ આંખ કરશે કે પછી ‘પારકા’ ને દંડીને સંતોષ માની લેશે?

ભોગ બનનાર વેપારીઓનો આક્રોશ: “અમને જ કેમ ટાર્ગેટ કરાયા?”…
જે વેપારીઓની ગાડીઓ પકડાઈ છે તેઓએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, “બજારમાં સેંકડો ગાડીઓ ઊભી હતી, નારિયેળ અને ફ્રુટની મોટી ગાડીઓ પણ ત્યાં જ હતી. તેમ છતાં માત્ર અમારી મહારાષ્ટ્ર પાસિંગની ગાડીઓને જ ટાર્ગેટ કરવામાં આવી છે. જો કાર્યવાહી કરવી હોય તો નિયમ બધા માટે સરખો હોવો જોઈએ. પાલિકાની આ કામગીરી પક્ષપાતી અને પોકળ છે.”