ફૂટપાથ પચાવી પાડી કેબિન ઊભી કરનાર સંચાલકોને પાલિકાનો જોરદાર ફટકો; રહીશોની ફરિયાદ બાદ તંત્ર એક્શનમાં
વડોદરા :મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ગેરકાયદે બાંધકામ અને પાર્કિંગની જગ્યામાં દબાણ કરનારા એકમો સામે ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના માંજલપુર વિસ્તારમાં દીપ ચેમ્બર ચાર રસ્તા પાસે આવેલા ‘ઓવન મેજિક એન્ડ કેફે’ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણ સામે પાલિકાએ લાલ આંખ કરી છે અને કેફેને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

માંજલપુર વિસ્તારમાં ગીતા સર્કલ પાસે આવેલા રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર ‘ઓવન મેજિક’ નામની બે દુકાનો આવેલી છે. આ કેફેના સંચાલકો દ્વારા રિનોવેશન દરમિયાન ફૂટપાથ અને પાર્કિંગની ખુલ્લી જગ્યામાં કેબિન મૂકીને વ્યવસાય કરવામાં આવતો હતો. આ ઉપરાંત, સંચાલકોએ દુકાનના શટર આગળ વધારીને ગેરકાયદે એક્સટેન્શન પણ કર્યું હતું.
આ ગેરકાયદે બાંધકામ અને ઉપયોગને કારણે એપાર્ટમેન્ટના ઉપરના માળે રહેતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેના પગલે તેઓએ પાલિકામાં લેખિત ફરિયાદ કરી હતી. પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાએ અગાઉ આ અંગે નોટિસ આપી હતી અને કામગીરી સ્થગિત કરવા સૂચના આપી હતી. આમ છતાં, સંચાલકોએ સૂચનાને અવગણીને બાંધકામ ચાલુ રાખ્યું હતું અને કેબિન દ્વારા વેપાર શરૂ રાખ્યો હતો.

બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ખુશબુ પ્રજાપતિએ મીડિયાને જણાવ્યું હતું કે, “અગાઉ રહીશોની ફરિયાદના આધારે નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં સંચાલકો દ્વારા કોઈ તજવીજ હાથ ધરવામાં આવી નહોતી. ગેરકાયદે રીતે શટર આગળ વધારવા અને પાર્કિંગની જગ્યામાં કેબિન મૂકીને થતા વપરાશને રોકવા માટે આજે વહીવટી વોર્ડ-17 ની ટીમ દ્વારા આ મિલકતને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે.”

પાલિકાની આ કડક કાર્યવાહીથી અન્ય ગેરકાયદે દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ટ્રાફિક અને પાર્કિંગમાં અડચણરૂપ બનતા કોઈપણ ગેરકાયદે એકમોને બક્ષવામાં આવશે નહીં.