Vadodara

વડોદરા પાલિકાના નેતાઓ અને અધિકારીઓ ખુદ ‘જર્જરિત કચેરી’માં બેસી વિકાસ દાવા કરે છે!

પાલિકા પોતાની જ ભંગાર હાલતવાળી કચેરી જાળવવામાં નિષ્ફળ

હજારો નાગરિકો દરરોજ જીવ જોખમમાં મૂકી પોતાની ફરિયાદ લઈને આવે છે

જર્જરિત હાલતમાં વડોદરા મહાનગર પાલિકાની કચેરીમાં નાગરિકોના સુરક્ષાને જોખમ

વડોદરા: વડોદરા શહેરના વિકાસનો દાવાઓ જ્યાંથી કરાય છે, તે વડોદરા મહાનગર પાલિકાની મુખ્ય કચેરી જ આજની તારીખે જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે. નાગરિકોના ઘરો કે મકાનો વર્ષો જૂના અને જોખમજનક કહીને પાલિકા જે રીતે નોટિસો ઠાલવે છે અને બિલ્ડિંગો ઉતારી લોકોને ઘરવિહોણા બનાવે છે, એ જ પાલિકા સંચાલકો આજે પોતાની જ ભંગાર હાલતવાળી કચેરીમાં બેસીને દૈનિક કામકાજ કરી રહ્યા છે.

મુખ્યાલયની આ હાલતને લઈ અનેક નાગરિકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. શહેરભરમાં લોકો પોતાની સમસ્યાઓના નિવારણ માટે હજારોની સંખ્યામાં દરરોજ પાલિકા કચેરી પહોંચે છે, જ્યાં કમિશ્નર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ઉચ્ચ અધિકારીઓ બેઠક કરતા હોય છે. પરંતુ આ કચેરીની દીવાલો, છાજલાં અને માળખાકીય ભાગોમાં જર્જરિતતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જો ક્યારેક કોઈ ભાગ તૂટી પડે અને મોટી દુર્ઘટના સર્જાય તો તેના જવાબદાર કોણ, એવો સીધો સવાલ શહેરના નાગરિકો ઉઠાવી રહ્યા છે.

પાલિકા અધિકારીઓ હંમેશાં નાગરિકોને “જર્જરિત મકાન ખાલી કરો નહિ તો તોડી પાડવામાં આવશે” એવી નોટિસો મોકલતા હોય છે. ત્યારે લોકો તીખો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પાલિકા પોતાને જ નોટિસ આપશે? કારણ કે જે માળખું પોતે જાહેર સુરક્ષા માટે જોખમી બની ગયું હોય, તેમાં હજારો લોકોના જીવ જોખમમાં મૂકી અધિકારીઓ કામકાજ કરી રહ્યા છે.

આ જર્જરિત કચેરી અંગે આજ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. નાગરિકો વ્યંગ્યરૂપે કહી રહ્યા છે કે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાશે ત્યાર બાદજ સત્તા પક્ષના નેતાઓ અને અધિકારીઓનું ધ્યાન જશે, ત્યાં સુધી તેઓ “કુંભકર્ણની નિંદ્રા”માં જ રહેશે?

કચેરીની સુરક્ષા અંગે તાત્કાલિક પગલાની માંગ

શહેરના સામાજિક આગેવાનો અને અનેક નાગરિકોએ માંગ કરી છે કે કચેરીના માળખાનું તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે અને સુરક્ષા વ્યવસ્થાનો અભ્યાસ કરી તાબડતોબ પગલાં લેવાય. નહીં તો આવતીકાલે અણધારી ઘટના બને તો તેનો રાજકીય અને નૈતિક જવાબ કોણ લેશે તે અનિશ્ચિત થઈ જશે.

Most Popular

To Top