Vadodara

વડોદરા પાલિકાના નિવૃત્ત કર્મચારીઓનો નવી મેડિકલ બિલ નીતિ સામે વિરોધ

જેનેરિક દવા માફક નથી આવતી MD જે દવા લખી આપે એ બિલ પાસ કરવા રજૂઆત

વડોદરા મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓ મેડિકલ બિલ ચુકવણી અંગેની નવી નીતિના અમલવારી મુદ્દતે પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.


વડોદરા મહાનગરપાલિકામાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ સોમવારે વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મેડિકલ બીલ ચુકવણી અંગે નવી નીતિ અમલવારીના વિરોધમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. નવી નીતિ મુજબ જેનેરીક દવા લેતા અને તેના જ બિલ મુકવા માટે જણાવ્યું હતું ત્યારે તેના કારણે અનેક તકલીફો પડી રહી હોવાના આક્ષેપો નિવૃત્ત કર્મચારીએ કર્યા હતા. આ દરમિયાન નિવૃત્ત કર્મચારીઓને જવાબદાર પદાધિકારીઓને મળવા ના દેવામાં આવતા નિવૃત્ત કર્મચારીઓએ રામધુન કરી પોતાના વિરોધ દર્શાવ્યો હતો. જ્યાં જુની મેડિકલ બિલ નીતિનો અમલ થાય તેવી માંગ નિવૃત્ત કર્મચારીઓએ તંત્રને કરી છે.

નિવૃત્ત કર્મચારીઓએ જણાવ્યું હતું કે 40 વર્ષ સુધી અમે આ કોર્પોરેશનની સેવા કરી છે. નિસ્વાર્થ ભાવે કામ કર્યું છે પરંતુ આજની અમારી પરિસ્થિતિ કોઈને પડી નથી. અમને પહેલા ત્રણ વાગ્યે મળવાની વાત કરી હતી પણ જ્યારે અમે આવ્યા ત્યારે અમને કહેવડાવવામાં આવ્યું કે 19 તારીખ પહેલા અમે તમને નહીં મળી શકીએ . વધુમાં જણાવતાં કીધું હતું કે બીજી વસ્તુ આ જેનેરીક દવા દરેક જગ્યાએ મળતી નથી હોતી. આ દવાઓથી અમને આડઅસર થાય છે. અમને જે એમડીએ દવા લખીને આપી હોય તે દવા લઈએ એના સિવાયની જો જેનેરીક દવા લઈએ છે તો અમારી પર આડઅસર થાય છે. ડોક્ટર જે લખી આપે તે દવા અમારે લેવાની કે કોર્પોરેશન જેનેરીક દવા આપે છે એ અમારે ખાવાની? એમડી જે દવા લખી આપી છે તે દવાઓ અમને મળે અને એના બિલના પૈસા અમને મળે. આજવા રોડ પર કોઈ રહેતું હોય ત્યાંથી અહીં આવવાનું, 10 થી 12 કિલોમીટર કાપીને અમે કોર્પોરેશન પર આવિએ ત્યારે અમને જ્યાં જનસેવા કેન્દ્ર નક્કી કર્યું હોય ત્યાં આગળ જવાનું , એટલે બીજા 5 થી 6 કિલોમીટર થાય. આજે 80 વર્ષે અમારા ધક્કા ખાવા પડે છે માટે અમારી માંગ છે કે એમડી ડોક્ટર જે અમને જે દવા લખી આપે એનાથી અમને અસર સારી થાય છે જેનેરીક દવાથી અમને આડઅસર થાય છે . અમારી માંગ છે જે જૂની મેડિકલ બીલ નીતિ ચાલતી હતી એ લાગુ કરવામાં આવે.

Most Popular

To Top