નવાપુરા વિસ્તારમાં રોડની કામગીરી વેળા બાઇક ચાલક યુવકોને રોકી ચાવી કાઢી લેતા મામલો બિચકયો, પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ ઉચ્ચારી
વડોદરા તા.8
વડોદરા શહેરના શિયાબાગ ત્રણ રસ્તાથી જય રચના બીલ્ડીંગ ચાર રસ્તા સુધી રોડની કામગીરી ચાલુ હતી. ત્યારે બાઈક સવાર ત્રણ યુવકો આવતા એન્જિનિયરે અટકાવી રોક્યા હતા અને ચાવી કાઢી લીધી હતી. જેથી મામલો બિચકયો હતો અને 20 ઉપરાંતના લોકોનું ટોળું ભેગું થઈ ગયુ હતું. એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસ ફરિયાદ કરશો તો તમને જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. કોન્ટ્રાક્ટરે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર લોકોને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના સમા સાવલી રોડ પર આવેલી નંદાલય સોસાયટીમાં રહેતા રાજ કમલેશભાઇ રાવ રાજ ઇન્ફાસ્ટ્રક્ચર નામની કંપની ધરાવે છે. વડોદરા મહાનગર સેવા સદનના રોડના કોન્ટ્રાક્ટ પણ તેમની પાસે આવતા હોય છે. 6 ઓક્ટોબરના રોજ રાત્રિના દસ-સવા દસ વાગ્યાની આસપાસ રોડ કન્સ્ટ્રક્શન સાઈટની વિઝિટ માટે કોન્ટ્રાકટર
તેમની પત્ની તથા દીકરી સાથે નીકળ્યા હતા. શીયાબાગ ત્રણ રસ્તાથી બગીખાના ત્રણ રસ્તાથી જયરત્ન ચાર રસ્તા સુધીના રોડ નુ કામ ચાલુ હતું. જેની વિઝીટ કરવા માટે તેમની કાર બગીખાના ત્રણ રસ્તા પાસે પાર્ક કરી હતી અને તેઓ પત્ની અને દીકરી સાથે ચાલતા ચાલતા રોડ મીલીંગ મશીનરી મુકેલી હોય તે જગ્યા પર પહોંચ્યા હતા. ત્યારે રોડ ઉપર એક ટોળુ ઊભેલું હતુ અને ટોળામાં ત્રણથી ચાર શખ્સો તેમની કંપનીના
એન્જીનીયર કુશ પ્રગ્નેશભાઈ મોદીને માર મારતા હતા. જેથી કોન્ટ્રાક્ટર તેઓને છોડાવવા વચ્ચે પડતા આ લોકોએ તેમને પણ બીભસ્ત ગાળો ભાંડી ધક્કા મુક્કી કરવા લાગ્યા હતા. ત્યારબાદ તેમની પત્ની અને બીજા એન્જીનીયર દેવર્ષિ તંબોલીને પણ માથામાં હુમલો કરવામાં આવ્યો હતો. જેથી એન્જીનીયર કુશ મોદીએ પોલીસમાં ફોન કરતા થોડીવાર માં પોલીસની ગાડી આવી ગઈ હતી અને અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા અને એન્જીનીયરને માર મારનાર તથા અમારી સાથે ધક્કામુક્કી કરનાર પણ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. આ ચારેય શખ્સોએ તમે અમારા વિરુધ્ધમાં ફરીયાદ કરશો તો તમને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.જેથી પોલીસે માર મારી ધમકી આપનાર નિખીલ ચેતન ખારવા, શૈનીક રમેશ ખારવા, ભરત જેન્તીલાલ ખારવા અને રમેશ પ્રભુદાસ ખારવાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રસ્તાની કામગીરીના કારણે માર્ગ ઉપર મટીરીયલ હોવાથી સ્થળ પર અનિચ્છિય ઘટના ન ઘટે માટે બેરીકેડ મૂક્યા હતા. દરમ્યાન એક બાઇક ત્રીપલ સવારી યુવકો પસાર થતા એન્જિનિયરે તેમને કામગીરી ચાલી રહી હોવાથી રોક્યા હતા અને એન્જિનિયરે બાઇકની ચાવી કાઢી લીધી હતી. જેના કારણે મામલો બિચક્યો હતો. ત્યારબાદ 20 જેટલા લોકોનું ટોળું ધસી આવતા મામલો વધુ ઊગ્ર બન્યો હતો.