વડોદરા તારીખ 6
આણંદના સારસા ગામે રહેતા યુવકની રૂપિયાની લેતી દેતી ના મામલામાં પાંચ જેટલા શખ્સોએ ઢોર માર મારીને હત્યા કરી હતી. જેમાં પોલીસે પાંચ પૈકી ત્રણની ધરપકડ કરી લીધી છે. ત્યારે આરોપીઓ પૈકી એકને જ્યાં માર માર્યો હતો તે છાણીની ઓફિસમાં લઈ જઈને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું. ઉપરાંત ત્યાં કેટલાક ડોક્યુમેન્ટસની પણ ચકાસણી કરવામાં આવી હતી.
સાવલી તાલુકાના મોકસી ગામે રહેતા અને છાણી વિસ્તારમાં ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા વિશ્વજીત વાઘેલાએ પોતાની કાર પાર્થ સુથારને ભાડે ફેરવવા માટે આપી હતી. પરંતુ પાર્થે તેની કાર બે લાખમાં અન્યને વેચી મારી હતી ને રૂપિયા પણ પરત વિશ્વજીતને ચૂકવ્યા ન હતા. નાણાની ઉઘરાણી માટે વારંવાર વિશ્વજીત તેને ફોન કરી બોલાવતો હતો પરંતુ તે આવતો ન હોય રોષે ભરાયો હતો. દરમિયાન 4 માર્ચના રોજ વિશ્વજિત વાઘેલાએ પાર્થને તેની ઓફિસમાં બોલાવ્યો હતો અને તેના સાગરીતો સાથે મળીને રૂપિયા નહીં આપ્યા હોવાની અદાવતે ઢોર માર્યો હતો. જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે પાર્થ સુથારનું મોત નીપજ્યું હતું. પોલીસને ગુમરાહ કરવા માટે જાતે જ પોતાનો મિત્ર તેની ઓફિસમાં ઢળી પડ્યો હોય તેને સારવાર માટે એસએસજીમાં ખસેડ્યો હોવાની વર્ધી લખાવી હતી. જાતે હોસ્પિટલમાં લઈ ગયા બાદ તબીબોએ પાર્થ સુથારને મૃત જાહેર કર્યો હતો. દરમિયાન પોલીસ હોસ્પિટલમાં પહોંચતા વિશ્વજીત વાઘેલા સહિતના આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પાર્થના પિતરાઈ ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય આરોપી વિશ્વજીત વાઘેલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. દરમિયાન આજે પોલીસે ત્રણ પૈકી એક આરોપીને સાથે રાખીને છાણી ખાતેની ઓફિસમાં લઈ જઈને સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ત્યાં કેટલાક ડોક્યુમેન્ટ્સની ચકાસણી પણ કરવામાં આવી હતી.
