Vadodara

વડોદરા: “પાણી નહીં તો વોટ નહીં”, વાઘોડિયા રોડના 212 પરિવારોનો મ્યુનિ. ચૂંટણીના બહિષ્કારનો હુંકાર!

સાહિત્ય ગ્રીન ફ્લેટના રહીશો છેલ્લા 3 વર્ષથી ટીપાં-ટીપાં પાણી માટે તરસે છે; બિલ્ડરના વાયદા પોકળ સાબિત થતા રહીશોમાં ભારે આક્રોશ

વડોદરા: શહેરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની બૂમરાણ શરૂ થઈ ગઈ છે. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા ‘સાહિત્ય ગ્રીન ફ્લેટ’ના રહીશો છેલ્લા ત્રણ વર્ષથી પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રહીશોનો આક્ષેપ છે કે તેઓને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી અને જે પાણી આવે છે તે અત્યંત ખારું હોવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે.
ફ્લેટમાં રહેતા રહીશોએ જણાવ્યું હતું કે, આ સમસ્યા કોઈ એક-બે દિવસની નથી પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેઓ હાલાકી ભોગવી રહ્યા છે. બિલ્ડર દ્વારા 24 કલાક પાણી આપવાના અને મીટર લગાવવાના વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવિકતામાં રહીશોને પીવાલાયક પાણી મળી રહ્યું નથી. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે જો સોસાયટી ટેન્કરથી પાણી મંગાવે તો દર મહિને આશરે 3 લાખ રૂપિયા જેવું તોતિંગ બિલ આવે તેમ છે, જે સામાન્ય પરિવારો માટે અશક્ય છે.
ખારા પાણીના વપરાશને કારણે ફ્લેટમાં રહેતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર માઠી અસરો જોવા મળી રહી છે. રહીશોના જણાવ્યા અનુસાર, ખારા પાણીને કારણે ચામડીના રોગો વધી રહ્યા છે અને વાળ ખરવાની સમસ્યા પણ સામાન્ય બની ગઈ છે. કામકાજી મહિલાઓને પણ ઘરકામ માટે પાણી ન મળતા ભારે મુશ્કેલી પડી રહી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રહીશોમાં તંત્ર અને રાજકીય નેતાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ આક્ષેપ કર્યો છે કે, “વોટ માંગવા માટે તો બધા આવે છે, પરંતુ પાયાની જરૂરિયાત સમાન પાણી માટે કોઈ સાંભળવા તૈયાર નથી”. જો આગામી સમયમાં પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે, તો સાહિત્ય ગ્રીન ફ્લેટના તમામ રહીશોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની અને કોઈ પણ પક્ષને મત ન આપવાની ચીમકી ઉચ્ચારી છે.
:- બિલ્ડર સામે પણ આક્રોશ…
રહીશોએ બિલ્ડર રિતેશભાઈ સામે પણ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, 212 પરિવારોને મુશ્કેલીમાં મૂકીને બિલ્ડર પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. વહીવટી તંત્ર અને કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

Most Popular

To Top