પાણીજન્ય રોગચાળો અટકાવવાનો પ્રયાસ
(પ્રતિનિધિ), વડોદરા | તા. 7
વડોદરા શહેરના નાગરિકોના આરોગ્યની સુરક્ષા જાળવવા અને પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્યશાખા દ્વારા આજે વારસિયા અને ફતેપુરા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ખાસ કરીને પાણીપુરી બનાવતા અને વેચાણ કરતા વિક્રેતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન આરોગ્ય અધિકારીઓને અનેક ગંભીર અનિયમિતતાઓ જોવા મળી હતી. કેટલાક વિક્રેતાઓ સડેલા, બગડેલા અને વાસી બટાકા બાફીને ગ્રાહકોને પીરસી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું, જે સીધા લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ સમાન છે. આવા ખોરાકથી ટાઈફોઇડ, ડાયરીયા અને અન્ય પાણીજન્ય રોગો ફેલાવાની શક્યતા રહેતી હોય છે.
આરોગ્યશાખાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પરથી મળી આવેલા તમામ સડેલા અને વાસી બટાકાના જથ્થાનો નાશ કર્યો હતો. સાથે જ સંબંધીત વિક્રેતાઓને સ્વચ્છતા જાળવવા, તાજી અને ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં ફરી આવી ગંભીર બેદરકારી સામે આવશે તો નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આરોગ્ય વિભાગે શહેરના નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ હંમેશા સ્વચ્છતા જાળવનારા અને ગુણવત્તાયુક્ત ખોરાક વેચતા વિક્રેતાઓ પાસેથી જ ખાદ્ય વસ્તુઓ ખરીદે. ખાસ કરીને રોગચાળાની સિઝનમાં ખુલ્લા અને અશુદ્ધ ખોરાકનો ઉપયોગ ટાળવો અત્યંત જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે આરોગ્યશાખા દ્વારા આગામી દિવસોમાં પણ વડોદરા શહેરના અન્ય વિસ્તારોમાં આવા ચેકિંગ અભિયાનને સતત ચાલુ રાખવામાં આવશે, જેથી નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય.