આજવા રોડ નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું :
લોકોને અપૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.3
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે છેલ્લા બે દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે છતાં પણ કોઈ મરામતની કામગીરી કરવામાં નહીં આવતા હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે

કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્ર એક તરફ નગરજનોને પીવાનું શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે. ત્યારે બીજી તરફ પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 30 પાસે છેલ્લા બે દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે, છતાં પણ આજ દિન સુધી વિસ્તારના કોર્પોરેટરો દ્વારા આ મામલે ધ્યાન નહીં આપતા દરરોજ હજારો લિટર પાણી વહીને ગટરમાં જઈ રહ્યું છે. જ્યારે પાણીની લાઈનમાં ભંગાણ પડવાના કારણે રોડ ઉપર પાણી ફરી વળતા સ્થાનિક લોકોને પણ મુશ્કેલી વેચવી પડી રહી છે. પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉદ્ભવ પણ વધે અને તેના કારણે થતા રોગોનો ફેલાવો થાય તે વાતને પણ નકારી શકાય તેમ નથી. હાલ શાષકોનું રાજ હોય ત્યારે, વિસ્તારના લોકો પણ આવી સમસ્યાઓ મામલે પોતાનો અવાજ ઉઠાવવા અને બોલવાનું ટાળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ પાણીની લાઈનમાં ભંગાણ પડવાના કારણે વિસ્તારમાં લોકોને અપૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.