તાંદલજાના રહીશોએ પાયાની સુવિધાઓના અભાવે પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડ્યો :
મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.6
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓમાં પાયાની સુવિધાઓના અભાવે તેમજ પાણીના કનેક્શન ના હોવા છતાં છેલ્લા આઠ વર્ષોનું વ્યાજ સહિતનો પાણી કર વેરો આવતા રહીશોએ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડી વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા આતીફ નગરના 105 ઘર, રેહમત નગરના 100, ઘર અને ખુશ્બૂ નગરના 285 ઘરોમાં પાણી જેવી પાયાની સુવિધાનો વર્ષોથી અભાવ છે, અને આતીફ નગરમાં પાણી લાઈન તેમજ પાણીના કનેક્શન ના હોવા છતાં છેલ્લા આઠ વર્ષોનું વ્યાજ સહિતનો પાણી કર આવી રહ્યો છે, તદુપરાંત રેહમતનગરની 2021માં આંતરિક પાણીની લાઈન પાસ થઈ હતી. જેના ચાર્જ પેટે રહીશો દ્વારા 2021માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણી કનેક્શન ના1500 રૂપિયાની ભરપાઈ કર્યા છતાં 4 વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં પાણી ની લાઈન નાખવામાં નથી આવી. જેથી તમામ સોસાયટીમાં પાણીની લાઈન નાંખવા માટે તેમજ આતીફ નગરનો પાણી કર બાદ કરવાની માંગણી સાથે વિસ્તારના આગેવાન વસીમ શૈખની આગેવાનીમાં સ્થાનિક રહીશોએ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડ્યો હતો અને મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.