પાલિકાનો સપાટો : પાણીગેટ અને વાડી પોલીસ મથકના બંદોબસ્ત સાથે કાર્યવાહી
બાથરૂમ,શેડ,ઓરડા,ઓરડી સહિતના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું :
( પ્રતિનિધિ )વડોદરા,તા.9
વરસાદી માહોલમાં પણ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ યથાવત જોવા મળી છે. બુધવારે પાણીગેટ પોલીસ મથકથી લઈ હરણખાના સુધી રસ્તામાં અવરોધ રૂપ દબાણો પાલિકાની દબાણ શાખા ની ટીમ દ્વારા વાડી અને પાણીગેટ પોલીસ મથકના બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા.

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઈ હરણખાણા રોડ ઉપર રસ્તામાં આવતા અવરોધ રૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી બુધવારે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જેમાં પાલિકાની દબાણ શાખાની ટીમ જેમાં જમીન મિલકત અમલદાર, ટીપીનો સ્ટાફ, એન્જિનિયર, સર્વેયર, ફાયર ડિપાર્ટમેન્ટ, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ વિભાગ સાથે વાડી અને પાણીગેટ પોલીસ મથકના પોલીસ બંદોબસ્તને સાથે રાખીને 50 ફૂટ રસ્તા પૈકીના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ રોડ પર આવતા મકાનોના સંડાશ, બાથરૂમ શેડ, ઓટલા, ઓરડીની દીવાલોને દબાણ હેઠળ દૂર કરવામાં આવ્યા હતા.