સમિતિના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધકે મંડળમાં ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ અને વિકાસ કાર્યો વિશે સમિતિના સભ્યોને માહિતગાર કર્યા :
વડોદરા મંડળના વિવિધ સ્ટેશનોનો મુખ્ય પુનર્વિકાસ અને સાથે ઘણા સ્ટેશનોનો અમૃત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકાસ કાર્ય પણ પ્રગતિમાં :
( પ્રતિનિધિ )વડોદરા,તા.25
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ ખાતે નવનિર્મિત મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની પ્રથમ બેઠકનું આયોજન મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆતમાં, સમિતિના સચિવ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, મંજુ મીણાએ બેઠકમાં હાજર રહેલા તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું.

રેલ્વે ઉપભોક્તા સલાહકાર સમિતિના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક જીતેન્દ્ર કુમાર સિંહે વડોદરા મંડળમાં ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ અને વિકાસ કાર્યો વિશે સમિતિના સભ્યોને માહિતગાર કર્યા હતા. તેમણે સભ્યોને ખાતરી આપી કે મુસાફરોની સુવિધાઓનો વિકાસ વડોદરા મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં વધુ આધુનિક સુવિધાઓ મંડળમાં જોવા મળશે. તેમની વાજબી માંગણીઓ પર મંડળ દ્વારા ટૂંક સમયમાં સમાધાન કરવામાં આવશે. સમિતિના સચિવ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર મંજુ મીણાએ વડોદરા મંડળ ની સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે, વડોદરા મંડળ ના વિવિધ સ્ટેશનોનો મુખ્ય પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે અને સાથે જ ઘણા સ્ટેશનોનો અમૃત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકાસ કાર્ય પણ પ્રગતિમાં છે. આ કાર્યો પૂર્ણ થયા પછી, અમે અમારા માનનીય મુસાફરોને વધુમાં વધુ સુવિધાઓ પૂરી પાડી શકીશું. મંજુ મીણાએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કર્યો જેમકે ડબલિંગ,ગેજ કન્વર્ઝન, વીજળીકરણ અને સ્ટેશનોના પુનર્વિકાસ જેવા કાર્યોને વેગ મળ્યો છે. આ બેઠકમાં ઉપસ્થિત સભ્યોની સાથે પોત-પોતાના વિસ્તારોથી સંબંધિત મુસાફરોની સુવિધાઓને વધારવા, રેલવે સંબંધિત સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવા અને તેમની વાજબી માંગણીઓ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ આયોજિત બેઠકમાં 14 નવા રચાયેલા મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિના સભ્યો સહિત મંડળ ના તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.