1 કલાકથી OPDમાં બેસી રહ્યો પણ સારવાર ન મળી :
( પ્રતિનિધિ )વડોદરા, તા.14
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં ધાંધિયા થતા હોવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામી છે. તેમ છતાય સયાજી હોસ્પિટલ તંત્ર જાગતું નથી. જેને લઈને દર્દીને પરેશાન થવાનો વારો આવે છે. આજે પણ સયાજી હોસ્પિટલમાં OPD વિભાગમાં પરપ્રાંતીય દર્દીને ધક્કા ખવડાવીને કલાકો સુધી બેસાડી રાખવાનો કિસ્સો સામે આવ્યો છે.
ગુજરાત સહીત મધ્યપ્રદેશ, રાજસ્થાનના ગરીબ દર્દીઓ શહેરની સર સયાજી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા હોય છે. સરકારી જનરલ હોસ્પિટલ હોવાથી જેની પાસે આર્થિક વ્યવસ્થાઓ ન હોય તેવા દર્દીઓ ખાસ કરીને સયાજી હોસ્પિટલનો સહારો લે છે. જોકે હોસ્પિટલમાં કેટલાક તબીબો અને સ્ટાફ દ્વારા ગરીબ દર્દીઓ સાથે તોછડું વર્તન કરવામાં આવતું હોવાના કિસ્સાઓ અનેક વાર બની ચુક્યા છે. વડોદરાની SSG હોસ્પિટલના OPD વોર્ડ 19માં સોમવારે બપોરે પશ્ચિમ બંગાળનો એક દર્દી લાંબો સમય સુધી પોતાની સારવાર માટે રાહ જોતા રહ્યા,જ્યાં હાજર સ્ટાફ દ્વારા દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે ધક્કા ખવડાવ્યા હોવાની ફરિયાદ તેઓએ કરી હતી.
OPDમાં વહેલી સવારથી જ દર્દીઓનો જમાવડો થતો હોય છે. જયારે આવા સમયે પણ મેડીકલ સ્ટાફ દ્વારા દર્દીઓને યોગ્ય જવાબ આપવામાં આવતા ન હોવાની ફરિયાદ હાજર દર્દીઓએ કરી હતી. મહત્વનું છે કે વારંવાર આ પ્રકારના કિસ્સાઓ સયાજી હોસ્પિટલમાં બનતા આવ્યા છે. સમયસર સારવાર ન મળવાના કારણે કેટલાક દર્દીઓને ખરાબ પરિણામો પણ ભોગવવા પડ્યા છે. સરકારી ખર્ચે ચાલતી હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા જાણે દર્દીઓ પર પોતાના ખર્ચે ઉપકાર કરતા હોય તેમ વર્તન કરવામાં આવતું હોય છે. વારંવારની ફરિયાદ છતાય હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડેંટ દ્વારા કોઈ પરિવર્તન લાવવામાં આવતું નથી.